ભુજના મમુઆરામાં બોલાચાલી થતાં પિતરાઇ ભાઇઓના હાથે યુવાનની હત્યા
કચ્છમાં નજીવી બાબતે કોઈનું ઢીમ ઢાળી દેવાનું જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ છેલ્લા થોડા સમયથી હત્યાના બનાવો વધી ગયા છે, તે વચ્ચે તાલુકાના મમુઆરા ગામમાં માનકૂવાના એઝાઝ ઈસ્માઈલ બલોચ (ઉ.વ. 27) નામના યુવકની ગુરુવારે બપોરના અરસામાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાતાં પંથકમાં ચકચાર ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પદ્ધર પોલીસની ટીમ બનાવસ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મોકલી હતી, તો એફએસએલ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી. ખૂન પાછવાડે કૌટુંબિક કારણ જવાબદાર હોઈ શકે તેવું પદ્ધર પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને ઘણી વખત હતભાગી યુવક સાથે જોવા મળેલા અને તેની સાથે હરતા-ફરતા તેના જ બે ભાઈએ કૃત્યને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસે અનુમાન વ્યક્ત કર્યું હતું.
માનકૂવાનો રહેવાસી મૃતક એઝાઝનો ચાર વર્ષનો પુત્ર છે અને મુંદરામાં કોઈ ખાનગી મોલમાં નોકરી કરીને ગુજરાન ચલાવતો હતો તેવું તેના બનેવીએ જણાવ્યું હતું. બીજી તરફ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ, બોપરના એકાદ વાગ્યાના સમયે ભચાઉ તરફના માર્ગ પર આવેલી હસ્તિક હોટેલ પાસે બે ઈસમે એઝાઝની હત્યા નીપજાવી હતી.
જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે, હતભાગી એઝાઝ તેના ભાઈઓ મહોબતખાન અલીખાન બલોચ અને નૂરખાન ઉર્ફે સાબાન કાસમ બલોચ (બંને રહે. માનકૂવા) સાથે મોટરસાઈકલથી જઈ રહ્યો હતો, ત્યારે મમુઆરા પાસે આવેલી હસ્તિક હોટેલ નજીક પહોંચતાં જ સાબાને ભેઠમાંથી છરી કાઢીને એઝાઝના પેટ તથા પીઠના ભાગે ઉપરાછાપરી ઘા માર્યા હતા, જેમાં તે ગંભીર રીતે ઘવાતાં ઢળી પડયો હતો. કૃત્યને અંજામ આપી બંને આરોપી નાસી છૂટયા હતા.