ભચાઉના નાની ચીરઇ નંદગામ પાસે ગાંધીધામના યુવાનની ધોળે દિવસે હત્યા
ભચાઉ તાલુકાના નાની ચીરઇ નંદગામ નજીક પડતર જગ્યાએ બોલાચાલી, ઝઘડા બાદ એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી ગાંધીધામના હર્ષ રાજુ શર્મા (ઉ.વ. 34) નામના યુવાનની હત્યા નીપજાવી હતી. બનાવ બાદ આરોપી નાસી છૂટયો હતો. હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. ગાંધીધામના ઓસ્લો આસપાસ રહેનાર હર્ષ શર્મા નામના યુવાનની ઢળતી બપોરે હત્યા નીપજાવાઇ હતી. નંદગામ આસપસાસ આવેલા લાકડાના બેન્સામાં કામ કરનાર પરપ્રાંતીય એવા આ યુવાનની સવારે આરોપી સાથે કોઇ બાબતે બોલાચાલી, તકરાર થઇ હતી. બાદમાં બંને છૂટા પડયા હતા.
પોલીસસૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઢળતી બપોરે આ બંનેનો પાછો ભેંટો થઇ ગયો હતો. આ બંને શ્રમિક વચ્ચે ફરીથી તકરાર, બોલાચાલી થઇ હતી. નંદગામના એચ.પી. પેટ્રોલપંપ નજીક આવેલા પડતર ખેતરમાં બંને યુવાન બાખડયા હતા, જેમાં ઉશ્કેરાયેલા આરોપીએ પથ્થર ઉપાડીને આ યુવાનના માથામાં ઘા ઝીંકી દીધા હતા. આ પરપ્રાંતીય યુવાનની હત્યા નીપજાવીને આરોપી નાસી છૂટયો હતો. લોહી નીંગળતી હાલતમાં હર્ષ શર્મા મળી આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ તાબડતોબ બનાવ સ્થળે ધસી ગઇ હતી અને યુવાનની લાશ પી.એમ. અર્થે હોસ્પિટલ લઇ જવાઇ હતી.
આરોપી કોણ છે ? તેણે કેવા કારણોસર આ યુવાન સાથે ઝઘડો કર્યો હતો ? બંને એક જ બેન્સામાં કામ કરે છે કે શું ? બંને એકબીજાને ઓળખે છે કે શું ? તથા ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહીની તજવીજ હાથ ધરાઇ હોવાનું પી.આઇ. એ.એ. જાડેજાએ જણાવ્યું હતું. હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.
