ડ્રગ્સનો દરિયો!! કચ્છમાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ, નેવી-BSFના જોઈન્ટ સર્ચ દરમિયાન મળ્યા બિનવારસી પેકેટ
ગુજરાતનો દરિયો નશાનું કેન્દ્ર બન્યો. નવસારી જિલ્લાના દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવવાની ઘટના હજુ તાજી છે ત્યાં ફરીએકવાર કચ્છના દરિયાકાંઠેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. બિન વારસી હાલતમાં BSFને ચરસના 2 પેકેટ મળી આવ્યા હતા. કચ્છના કુંડી બેટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન BSF અને નેવીના અધિકારીઓને ચરસ મળી આવ્યું હતું. કચ્છના દરિયા કિનારે ફરીથી ડ્રગ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઇ છે.
અગાઉ 16 ઓગસ્ટે સુરતના સુવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ ઝડપાયું હતું. સુરતમાં 12 ઓગસ્ટે પણ હજીરા વિસ્તારમાંથી અફઘાની ચરસનો જથ્થો પકડાયો હતો. 15 ઓગસ્ટે નવસારીના દરિયા કિનારેથી ચરસના 50 પેકેટ મળ્યા હતા. નવસારીના ઇતિહાસમાં પ્રથમ વખત આ રીતે દરિયાકાંઠે ડ્રગ્સ મળ્યું હતું. અંદાજે ચાર મહિનાથી વધુ સમયથી તે દરિયામાં પડ્યું હતું અને પાંચ લેયરમાં પેકિંગ કરીને દરિયામાં બીનવારસી હાલતમાં પડ્યું હતું. જે દરિયા કિનારે તણાઈ આવ્યું હતું. આ ઘટનાને હજુ એક દિવસ થયો છે ત્યાં કચ્છના દરિયા કાંઠે ડ્રગ્સના 2 પેકેટ મળી આવતા પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.