અંજારમાં 86 રોકાણકારો સાથે 1.54 કરોડની ઠગાઇ
અમદાવાદની ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધાયો, રોકાણકારોને 12 મહિને 9.75 ટકા વ્યાજ અને વિદેશ પ્રવાસની લાલચ આપી હતી
બેન્કના ફિક્સ ડિપોઝિટના ઓછા વ્યાજ વચ્ચે રોકાણકારો ખાનગીમાં વધુ વ્યાજ મેળવવા પૈસા રોકે છે, ત્યારે અમદાવાદના ભેજાબાજ શખ્સોએ બે પેઢીમાં અંજારના 86 જેટલા રોકાણકારોને વધુ વ્યાજની લાલચ આપીને પૈસા મેળવી લઈને 1.54 કરોડ રૂૂપિયા ચાંઉ કરી ગયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર પ્રસરી છે. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે અંજારમાં વીમા એજન્ટ તરીકે કાર્યરત સંજય રમેશચંદ્ર મડિયારે આરોપીઓ રાજકુમાર કૈલાસ રાય, રાહુલ રાજકુમાર રાય, ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષારાજકુમાર રાય અને બન્ને કંપનીના જનરલ મેનેજર હસમુખ ડોડિયા સામે અંજાર પોલીસ મથકે છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી પાસે વર્ષ 2013માં ભુજના રાજુભાઈ ઠક્કર અને દિલીપ કોડરાણી અંજારવાળા મળવા આવ્યા હતા અને યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા અને યુનિક સ્વયં મલ્ટિસ્ટેટ - મલ્ટિપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીના સિનિયર લીડર તરીકે ઓળખ આપી હતી. આ બન્ને કંપનીમાં ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવા અને તેમાં રોકાણકારો રોકાણ કરશે તો 12 મહિને 9.75 ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી તેમજ અમુક ટકા વધુ રોકાણ કરાવશો તો ફરિયાદી અને રોકાણકારોને વિદેશ પ્રવાસનો પણ લાભ મળશે તેવી લાલચ આપી હતી. દેશમાં 84 જેટલી શાખા હોવાનું અને ભુજમાં પણ શાખા શરૂૂ કરાશે તેવું કહ્યું હતું.
ભુજ ખાતે કંપની દ્વારા રોકાણકારોને શીશામાં ઉતારવા માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ આરોપીઓ પણ તેમાં હાજર હતા. સેમિનારમાં આરોપીઓએ લોભામણી જાહેરાતો કરી હતી, જેથી ફરિયાદીએ તેમના પરિચિતો, કુટુંબીજનો અને સંબંધીઓને જાણ કરી હતી અને તેમના 90 હજારથી 50 લાખ સુધીની જુદી-જુદી રકમનું રોકાણ 86 જણે કર્યું હતું. વર્ષ 2013માં રોકાણ કર્યા બાદ મુદ્દત પૂરી થયે ખાતાંમાં રકમ કે વ્યાજ જમા થયા ન હતા. ફરિયાદી આશ્રમ રોડ ખાતે આવેલી હેડ ઓફિસમાં આરોપીઓને મળ્યા હતા અને રોકાણકારોના પૈસા આપી દેશું તેવી બાંહેધરી આપી હતી, ત્યાર બાદ પણ અવાર-નવાર અમદાવાદના ધક્કા ખાધા હતા, પરંતુ આરોપીઓએ પૈસા આપવાના માત્ર વાયદા જ આપ્યા હતા. 12 વર્ષ સુધી પૈસા પરત ન આપ્યા બાદ આ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ સામે અગાઉ ભુજ અને ગાંધીધામમાં પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. અમુક આરોપીઓ જેલ હવાલે પણ છે.
