For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

LPG ટેન્કરમાં બ્લાસ્ટ થતા 7 વાહનો ખાખ, અમુક ડ્રાઈવરો લાપત્તા

01:07 PM Dec 01, 2025 IST | Bhumika
lpg ટેન્કરમાં બ્લાસ્ટ થતા 7 વાહનો ખાખ  અમુક ડ્રાઈવરો લાપત્તા

કચ્છના સુરજબારી હાઈવે ઉપર વહેલી સવારે ભયાનક અકસ્માત, 10થી 12 કિ.મી.નો ટ્રાફિક જામ, ટેન્કરના સ્પેરપાર્ટ ઉડીને બે કિ.મી.દૂર સુધી વિખરાયા

Advertisement

કચ્છના સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગાંધીધામથી મોરબી તરફ જતું એક LPG ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી અને બાદમાં આ આગ ટેન્કરમાં ફેલાઈ જતા પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે નજીકની હાઇવે હોટેલમાં પાર્ક થયેલા 7 જેટલા વાહનોમાં પણ આગ ફેલાઈ ગઇ હતી. જ્યારે 10થી 12 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઇ ગયો હતો. આ દુર્ઘટનામાં ટેન્કરન ચાલકનું મોત થયું હોવાની આશંકા છે. ઉપરાંત અન્ય બે થી ત્રણ વાહનોના ડ્રાઈવરો પણ લાપ્તા હોવાનું જાણવા મળે છે. જો કે, મૃત્યુ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.

મળતી માહિતી મુજબ ગાંધીધામથી કઙૠ ગેસ ભરીને મોરબી તરફ જઇ રહેલુ ટેન્કર કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં એમાં આગ લાગી ગઇ હતી. થોડીવાર બાદ ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે, જેના મોતની આશંકા સેવાઇ રહી છે.

Advertisement

આ ઉપરાંત ધડાકાના કારણે હાઇવેની નજીકમાં આવેલી એક હોટેલના પાર્કિગમાં પાર્ક કરેલા 7 જેટલા વાહનોમાં પણ આગ ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાના હાઇવે પર લગભગ 10થી 12 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. જ્યારે બે ત્રણ કિ.મી દુર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાયટરોએ સતત ત્રણ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે 8 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે હાઇવે પેટ્રોલીંગ ટીમ અને સામખિયાળી પોલીસ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરી રહી છે.આ અંગે સામખિયાળી પીઆઇ વીકે ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આજે પરોઢે લગભગ 4થી 5 વાગ્યાના અરસામાં બની હતી. એલપીજી ટેન્કર પલટી જતા તેમાં પ્રથમ આગ લાગી હતી અને 15થી 20 મિનિટ બાદ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં તેની જ્વાળાઓ નજીકની હોટેલમાં પાર્ક કરેલા 6-7 જેટલા ભારે વાહનોમાં ઉડતા તેમાં પણ આગ ફેલાઈ જવા પામી હતી. અમે હાલ આગળની તપાસ કરી રહ્યા છીએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement