‘નો રોડ નો ટોલ’ના નારા સાથે કચ્છમાં 45,000 વાહનના પૈડાં જામ
કચ્છમાં 5 રાષ્ટ્રીય અને બે સ્ટેટ હાઇવે પર સાત ટોલ પ્લાઝા, ગાંધીધામથી સામખિયાળી ટોલ પ્લાઝા સુધી કાર રેલી પણ યોજાઇ
વિકાસશીલ કચ્છ જિલ્લાનો રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા ધરવતા મથકોમાં બીજા ક્રમે સમાવેશ થાય છે. જોકે, પંથકમાં રોડ રસ્તાની પરિસ્થિતિ કથળી જતા માલ પરિવહન કરતા વાહનધારકો રોષે ભરાયા છે. બિસ્માર માર્ગોને લઈ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના વિવિધ મંડળ દ્વારા આજથી માર્ગ સુધારણાની માગ સાથે નો રોડ નો ટોલ ના સૂત્રને અનુસરી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. અહીંના 5 રાષ્ટ્રીય અને 2 રાજ્ય ધોરીમાર્ગે આવેલા કુલ 7 ટોલ પ્લાઝા સામે પરિવહન વ્યવસાય કરતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આ પ્રદર્શનથી 40થી 45 હજારના નાના મોટા વાહનોના પૈડાં થંભી ગયા છે.
પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ નવઘણ અહિરે જણાવ્યું કે જિલ્લાના પ્રવેશદ્વાર સમાં સામખીયાળી મથકે આવેલા નેશનલ હાઈવે સંચાલિત ટોલ પ્લાઝા હેઠળ દૈનિક 20થી 22 હજાર માલવાહક વાહનોની અવર જવર છે. જેના મારફતે દરરોજનો લગભગ રૂૂ.80 લાખથી વધુનો ટોલ ચૂકવવા છતાં વાહન ધારકોને સરળ રસ્તા મળતા નથી. બિસ્માર માર્ગોના કારણે સતત વાહન અકસ્માતની ઘટના બને છે અને ગાડીઓમાં ભારે નુકસાન પહોંચે છે.
આખરે રજૂઆતોના અંતે વાહન ચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. બીજી તરફ કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આજ રોજ સવારે 11 વાગે ગાંધીધામના દાદા ભગવાન ગ્રાઉન્ડ થી નો રોડ નો ટોલ ના નારા સાથે વિશાળ કાર રેલી યોજી સામખીયાળી ટોલ પ્લાઝા સામે વિરોધ નોંધાવા કુચ કરી છે. આ બાબતે ગાડી માલિકોએ જણાવ્યું કે, કચ્છમાં માર્ગોની બિસ્માર હાલત સામે આજે સ્વૈચ્છિક હડતાળના સાથે વાર્ષિક બે હજાર કરોડથી વધુની ટોલની આવક રળી આપતાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોને જર્જરિત માર્ગથી વ્યાપક નુકશાની પહોંચી રહી છે. 40થી 45 હજાર વાહનોના પૈડાં થંભાવી હડતાળ શરૂૂ કરી છે.
છેલ્લા બે દિવસથી ટ્રાફિક જામની પરિસ્થીતિ ગાંધીધામથી 18 કીમી સુધી વાહનોના થપ્પા
ગાંધીધામ વિસ્તારમાં આવેલા અસંખ્ય ઉધોગો તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટ સહિતના એકમોથી સતત પરિવહન કરતા વાહનો અત્યારે ખરાબ રસ્તા સાથે ભારે ટ્રાફિક જામની મુશ્કેલી સહન કરી રહ્યા છે. ગઈકાલે કંડલાથી પડાના સુધી 20 કિ.મી લાંબો ટ્રાફિકજામ થયો હતો. તો આજે વાહનોની લાઇનો છેક ગાંધીધામથી વરસાણા સુધી 18 કિલોમીટર પહોંચી ગઇ છે. આ ટ્રાફિકથી બચવા અંજારના ભીમાસર માર્ગે વળેલા વાહનો પણ ટ્રાફિકમાં ફસાયા છે. પોલીસ તંત્ર છેલ્લા 36 કલાકથી વાહન વ્યવહાર પૂર્વવત કરવા જહેમત લઈ રહ્યું છે. હાલ તો બન્ને તરફના વાહનો સિંગલ લાઈન મારફતે એક બાદ એક એમ આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.