કચ્છમાં 7 મહિનામાં એક વર્ષ સુધીના 271 બાળકોનાં મોત!
રાજયમાં દાહોદ, સાબરકાંઠા અને મહેસાણા બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે, ચિંતાજનક સ્થિતી
નાના બાળકોને યોગ્ય સારવાર અને રસીકરણની અસરકારક કામગીરી જરૂરી, ગાયનેક-બાળરોગના નિષ્ણાંતોની ભરતી અનિવાર્ય
કચ્છમાં આરોગ્ય સેવા મરણ પથારીએ હોય તેવા મામલા અનેક વખત સામે આવે છે ખુદ આરોગ્ય વિભાગને સીજીરીયનની જરૂૂર છે પણ એન્ટી બાયોટિક આપીને કામ ચલાવી લેવાય છે.ચાલુ નાણાકીય વર્ષમાં જિલ્લામાં ઝીરો થી એક વર્ષના 271 શિશુના મોત થયા છે જે રાજ્યમાં ચોથા ક્રમે છે.
શિશુ મૃત્યુદર બાળકના જન્મના સમય અને તેના પ્રથમ જન્મદિવસ વચ્ચેના મૃત્યુને દર્શાવે છે. જીવનનો પ્રથમ મહિનો એ બાળકના અસ્તિત્વ માટેનો સૌથી સંવેદનશીલ સમય છે અને તેને નવજાત સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગની કોમન રિવ્યુ કમિટીની ટીમ કચ્છમાં આરોગ્ય પરિસ્થિતિની સમીક્ષા માટે આવી હતી પણ આ ટીમ સમીક્ષા કરતા ફરવા આવી હોય તેવું વધારે લાગ્યું હતું.કચ્છની વાત કરીએ તો જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષના 7 મહિનામાં 271 શિશુના મોત થયા છે રાજ્યમાં સર્વાધિક દાહોદમાં 405, સાબર કાંઠામાં 284 અને મહેસાણામાં 338 બાદ કચ્છ જિલ્લો ચોથા ક્રમે છે. આજની તારીખે જોવા જઈએ તો મોટા ભાગના સરકારી દવાખાનાઓમાં બાળરોગ નિષ્ણાત નથી.મહેકમ હોવા છતાં ગાયનેક અને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોકટરો ન હોવાથી જરુરત સમયે યોગ્ય સારવાર મળતી નથી.
ખરેખર નાના બાળકોની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂૂરી બની ગયું છે. બાળ આરોગ્યલક્ષી સુવિધા વિકસાવવાની વાતો વચ્ચે નાના બાળકોના મોતના રેશીયોને અટકાવવા અસરકારક કામગીરી થતી નથી.નવજાત શિશુઓના અધૂરા મહીને જન્મ અને ઓછા વજનનું કારણ મુખ્ય રહ્યું છે.આ ઉપરાંત મોટાભાગના સરકારી દવાખાનાઓમાં ગાયનેક તબીબ નથી અને બાળ રોગ નિષ્ણાત પણ નથી.