કચ્છમાં 10 માસમાં હત્યાની 27 ઘટના: પરિવારિક વિખવાદ, પૈસાની લેતી-દેતી કારણભૂત
વાગડ વિસ્તારમાં ખૂનની ઘટનાઓ વધુ હોય આ વખતે અંજારમાં
કચ્છમાં ક્રાઇમનો રેશીયો ઘટે તેવા ઉદ્દેશથી પશ્ચિમ અને પૂર્વ કચ્છ એમ બે વિભાગ અલગ કરવામાં આવ્યા પણ પૂર્વ કચ્છની વાત કરીએ તો જર, જમીન અને જોરૂૂ ત્રણે કજિયાના છોરૂૂ કહેવત મુજબ દર વર્ષે હત્યાના બનાવોનું પ્રમાણ જળવાય છે તે આંકડાકીય વિગતો ઉપરથી ખ્યાલ આવે છે. આ વર્ષની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં જાન્યુઆરી થી ઓક્ટરોબર સુધીના 10 મહિનામાં જ હત્યાની 27 ઘટનાઓ નોંધાઇ છે. જેમાં અંજાર વિભાગમાં સૌથી વધુ 17 ખૂન ચોપડે ચડ્યા છે અને ભચાઉ વિભાગમાં હત્યાની 9 ઘટનાઓ ચોપડે ચડી છે.
પૂર્વ કચ્છમાં બનેલી હત્યાની મોટા ભાગની ઘટનાઓમાં આડા સબંધો અને પૈસાની લેતી દેતી જ મુખ્ય કારણ સામે આવ્યું છે. તો અમુક ઘટનાઓમાં પારિવારીક બાબતમાં પરિવારના સભ્યની જ હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. બીજી નોંધપાત્ર બાબત એ સામે આવી છે કે આમ તો દર વખતે વાગડ વિસ્તારમાં હત્યાની વધુ ઘટના નોંધાતી રહે છે પણ આ વખતે અંજાર વિભાગમાં વધુ ઘટનાઓ સામે આવી છે. જો કે આ વર્ષે પોલીસે હત્યાના તમામ બનાવોમાં આરોપીઓને પકડી ભેદ ઉકેલી લીધો છે, બીજી તરફ અંજારના મેઘપર બોરીચીમા઼ થયેલી હત્યા અને કંડલામાં થયેલી હત્યાના ભેદ ઉપરથી હજી સુધી પડદો ઉંચકાયો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે,અંજાર પોલીસ મથકે વર્ષ-2023માં પત્ની ગુમ થઇ હોવાની ગુમ નોંધ પતિએ નોંધાવ્યા બાદ ગુમ થનાર પત્નિના પરિવારજનોએ પતિ ઉપર જ હત્યાની શંકા સાથે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં હજી સુધી ગુમ થનાર પત્નીની ભાળ પણ નથી મળી,તો કંડલામાં વર્ષ-2023 માં પોતાના પતિ માટે જમવાનું લઇને આવતી પત્નીનો મુતદેહ મળ્યા બાદ હત્યા હોવાનું બહાર આવ્યું હતું પરંતુ આ ઘટનાનો ભેદ પણ હજી અકબંધ રહ્યો છે.