કચ્છના સાંગનારામાં 21 વન્યપ્રાણીના વીજકરંટથી મોત
ખેતરની વાડમાં વીજપ્રવાહના કારણે બે માસમાં સેંકડો પ્રાણીઓનો ભોગ લેવાયો, બે શખ્સોની ધરપકડ
સરકાર દ્વારા વન્ય પ્રાણીના રક્ષણ માટે કરોડો રૂપિયાની યોજનાઓ અમલમાં મુકી છે જેની સામે પાક રક્ષણ માટે વન્ય પ્રાણીઓના ત્રાસ સામે ખેડુતોને કાટાળી વાળ કરવાની છૂટ આપવામાં આવી છે. જેમાં ઝટકા મશીન મુકી વન્ય પ્રાણીઓને પાકનું નુખ્સાન કરતા અટકાવવામાં આવી રહ્યા છે. પરંતુ અમુક ખેડુતો દ્વારા કાટાળી વાળમાં 220 કે.વી.નો વીજ પ્રવાહ મુકવાનું ગુનાહિત કાવતરુ કરી કચ્છમાં નખત્રાણા વિસ્તારમાં 21થી વધુ નિર્દોષ પ્રાણીઓના જીવ લીધાનું બહાર આવતા વન વિભાગે બે શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
નખત્રાણાના સાંગનારા ગામે છેલ્લા બે માસ દરમિયાન વિજ કરન્ટથી 21 જંગલી પશુઓના મોત નિપજ્યાનું પ્રકરણ બહાર આવતા પોલીસ દ્વારા અને વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પાક રક્ષણ માટે ખેતરની ફરતે લગાડેલ વાડમાં વીજ પ્રવાહ ચાલુ કરી પ્રાણીઓને મોતને ઘાટ ઉતારાતા હોવાનું બહાર આવ્યું છે. તપાસમા કાટાળી વાળમાં 220 કે.વી.નો વીજ પ્રવાહ ચાલુ કરી જંગલી બીલાડી, નિલ ગાય, ભૂંડ, તેમજ શિયાળ સહિતના પશુઓના મોતને ઘાટ ઉતારાયા હતાં. સ્થળ પરથી શિયાળ અને જંગલી બિલાડીના કોહવાયેલી હાલતમાં મૃતદેહો મળી આવતા તેઓનું પોસ્ટમોટર્મ કરવામાં આવેલ જેમાં પ્રાણીઓના મોત વીજ કરંટનાકારણે થયાનું ખુલતા વન વિભાગે દરોડો પાડી તપાસ દરમિયાન બે શખ્સોની ધરપકડ કરી છે. છેલ્લા બે માસમાં 21 વન્ય પ્રાણીઓના મોતથી ચકચાર મચી ગઈ છે અને લોકો દ્વારા આ પ્રકારના વીજ જોડાણો વીજ તંત્ર દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
નખત્રાણા વિસ્તારમાં ખેતરની ફરતે લગાવવામાં આવેલ વાળમાં 220 કેવીનો વીજ પ્રવાહ ચાલુ કરી પ્રાણીઓના મોત નિપજાવવામાં આવી રહ્યા નો બનાવ બહાર આવતા વન વિભાગ અને પોલીસ દ્વારા અન્ય તાલુકાઓમાં પણ ખેતરની ફરતે લગાવવામાં આવેલ વાડની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.