સીબીલ માટે ખોટા બિલો બદલ 200 કરોડનો દંડ
ગાંધીધામની ડિરેક્ટરેટ ઓફ સર્વિસ ટેક્સ ઈન્ટેલીજન્સની કચેરી દ્વારા દિલ્હી સ્થીત બે વેપારીઓ કે જેની ભાગીદારીની કંપનીઓ ગાંધીધામમાં પણ છે, તેને બેંકમાંથી વધુ લોન લઈ શકાય તે માટે સીબીલ વધારવા ખોટા બીલો અને વેપાર દર્શાવીને નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપી પાડ્યા હતા.
અગાઉ પણ ચર્ચામાં આવેલી વર્સુલ ઈમ્પેક્સના માલીક વરુણ લક્ષ્મીનારાયણ ટંડન અને એડમ ઈસ્મીથ પ્રા.લી. સહિતની કંપનીઓમાં ભાગીદાર આશિષ વાસુદેવ મદનને ગાંધીધામ ડીજીજીઆઈ દ્વારા દિલ્હીથી ધરપકડ કરીને ગાંધીધામ લવાયા હતા. જેમને ભુજની વિશેષ કોર્ટમાં રજુ કરીને આર્થીક ગુનો આચરવાના ગુનામાં ગળપાદર જેલ ખાતે જ્યુડીસીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
આ બન્ને વેપારીઓ દિલ્હી બેઝ્ડ છે પણ તેમની કંપનીઓ ગાંધીધામમાં રજીસ્ટર્ડ થયેલી છે. તેમણે ફેક ઈનવોઈસની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ખરેખર જે વેપાર કે માલ સામાનનું ખરીદ વેંચાણ ન થયું હોય તેવા બીલો બનાવીને બેંકોમાં ટ્રાન્ઝ્કેશન કરીને તેનું જીએસટી પણ ભર્યું હતું. ખરેખર તેવો આમ કરીને તેમનો વેપાર મોટો હોવાનું ઓન રેકર્ડ સાબીત કરવા માંગતા હતા જેથી બેંકો તે આધારે તેમને મોટી રકમની લોન આપી શકે.
આ બન્ને વેપારીઓ ચોખા, બ્રાઉન રાઈસ અને કોલસાના ટ્રેડીંગ સાથે જોડાયેલા છે ત્યારે સરક્યુલેટ ટ્રેડીંગનો ઉપયોગ કરીને તેમણે બેંકો અને આર્થિક હિતોને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જે માટે ડીજીજીઆઈએ હરકતમાં આવીને બન્નેની ધરપકડ કરી હતી અને તેમને જેલ હવાલે કરી દીધા હતા.
સતાવાર સુત્રોએ આ અંગે હાલ કાંઈ કહેવાની ના પાડી રહ્યા છે પરંતુ આધારભુત સુત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં બન્નેને આવા 100-100 કરોડના ફેક ઈનવોઈસનું આદાન પ્રદાન કર્યુ હોવાની વકી છે, આ પ્રકારના આર્થિક ગેરરીતી 100% પેનલ્ટીને આકર્ષીત કરતી હોવાથી તેમના પર વિભાગ દ્વારા 200 કરોડ જેટલી જંગી પેનલ્ટી લગાવવામાં આવી શકે છે.
આ સમગ્ર કામગીરી વરીષ્ઠ ઈન્ટેલીજન્સ અધિકારી દીપક ગર્ગની રાહબરી હેઠળ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી આજ પ્રકારની મોડસ ઓપરેન્ડીને નાના સ્તર પર કરી રહેલા સંકુલના ઉધોગપતી અને વેપારી આલમમાં સોંપો પડી ગયો છે અને સહુ કોઇ પોતાના ચોપડાને સાફ દેખાડવાની કોશીષમાં પોતાના આર્થિક સલાહકારો સાથે સલાહ સુચન કરવામાં મશગુલ બન્યા હોવાનું જાણવા મળે છે.