ગાંધીધામમાં બ્લુડાર્ટની ઓફિસમાંથી 140 કિલો ગાંજો જપ્ત, બિહારી શખ્સ પકડાયો
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે કુરિયર પાર્સલમાંથી 140 કિલો ગાંજો પકડી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે સેડ નંબર સી-10માં આવેલા 7 પાર્સલ બોક્સમાંથી 140 પેકેટમાં છુપાવેલો ગાંજો શોધી કાઢ્યો હતો. આ મામલે બિહારના કટિયાર જિલ્લાના ધનચંદકુમાર લખનલાલ પંડિત (ઉંમર 28)ની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ગાંધીધામના કરણ ઉર્ફે શ્યામનું નામ પણ સામે આવ્યું છે. શંકાસ્પદ વ્યક્તિ પાર્સલ લેવા ન આવતા પોલીસને શંકા ગઈ હતી. ટેક્નિકલ સર્વેલન્સથી જાણવા મળ્યું કે આરોપી બસ મારફતે નાસી જવાની ફિરાકમાં હતો. પોલીસે તેને પકડી પાડ્યો હતો.
પંચોની હાજરીમાં 140.600 કિલો ગાંજો કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત 14 લાખ રૂૂપિયા છે.ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલી બ્લુડાર્ટ કુરિયર સર્વિસની ઓફિસમાં પાર્સલ બોક્સની આડસમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. પોલીસને મળેલી માહિતીના આધારે, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાની ટીમ દ્વારા આ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પાર્સલ બોક્સ નંબર-7ની અંદર પેકેટ નંબર-140માં 140 કિલો 600 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો. આ પાર્સલ બોક્સ મેળવવા માટે આવેલા ઇસમને શંકાસ્પદ માનવામાં આવ્યો હતો. તે પોલીસ તપાસથી બચવા માટે ગાંધીધામ શહેર છોડી નાસી જવાની ફિરાકમાં હતો.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. બ્લુડાર્ટ ઓફિસમાં પંચોની હાજરીમાં ગાંજાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં આરોપી વિરુદ્ધ ધ નોર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્ટસિસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આ ગાંજાનો જથ્થો કોને આપવાનો હતો અને આ ગેરકાયદેસર હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.