ભુજમાં ભાગવત કથામાં ગયેલા પરિવારના મકાનમાંથી 13 તોલા સોનાના ઘરેણાની ચોરી
તસ્કરો સગીર હોવાની શંકા, ફૂટપ્રિન્ટ મળ્યા
શહેરમાં ચાલી રહેલી કથાના મુંદરાના યજમાનને મુંદરા રોડ પર મેહુલ પાર્ક પાસે સહજાનંદ પાર્કમાં આપેલા ઉતારાના બાથરૂૂમની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ લાખોનો હાથ મારતાં પોલીસે છાનબીન આદરી છે. હતભાગી જિગર શૈલેષભાઈ પંડયા (મુંદરા) પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા ત્રણ દિવસથી ભુજના પ્રમુખસ્વામીનગરમાં પુષ્કર્ણા અને ભાટિયા સમાજવાડી પાછળ મેદાનમાં ચાલી રહેલી સમાજની ભાગવત કથામાં તેઓ યજમાન તરીકે જોડાયા છે.
કથાના વ્યવસ્થાપકો તરફથી બહાર ગામના યજમાનોને અલગ-અલગ સ્થળે ખાલી મકાનોમાં ઉતારા અપાયા છે, જેમાં જિગરભાઈને મુંદરા રોડ પરના મેહુલ પાર્ક પાસેના સહજાનંદ પાર્કના એક ખાલી બંગલામાં ઉતારો અપાયો હતો. જિગરભાઈ પરિવાર સાથે રાબેતા મુજબ આજે સવારે કથામાં ગયા હતા અને રાત્રે આઠ વાગ્યા આસપાસ પરત ફરતાં ઘરનો સામાન વેર-વિખેર પડયો હતો. પાછળના બાથરૂૂમની બારીની લોખંડની ગ્રીલ તૂટેલી હતી. ચોર ઈસમો એવા નાના બાળકના પગના નિશાન હતા.
સવારથી રાત દરમ્યાન અજાણ્યા ચોર ઈસમે બાથરૂૂમની બારીની લોખંડની ગ્રીલ તોડી અંદાજે 13-14 તોલા સોનાના વિવિધ ઘરેણા તથા 30થી 35 હજાર રોકડાની ઉઠાંતરી થયાનું સામે આવ્યું છે અને કપડાં વેર-વિખેર પડયા હતા. જિગરભાઈ સંબંધિતો સાથે રાત્રે ભુજ એ-ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. આ લખાય છે ત્યારે રાત્રે પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ છાનબીન આદરી છે.
