માત્ર 3 કલાકમાં 10 ગાયોને પ્રોસ્થેટિક પગ ફીટ કરી દીધા
ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગતા દિવસના અવસરે એક અસાધારણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. ટ્રસ્ટે ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં દસ અસહાય ગાયોને પ્રોસ્થેટિક પગ (કૃત્રિમ અંગો) ફિટ કરીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ઓફિશિયલ વર્લ્ડ રેકોર્ડ સંસ્થા દ્વારા આ પ્રયાસને આઠ કલાકથી ઓછા સમયમાં સૌથી વધુ ગાયોને પ્રોસ્થેટિક અંગો ફિટ કરાવવાથ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યો છે.
પાંજરાપોળમાં રહેતી આ દસ ગાયો તેમજ એક નીલગાય, એક બળદ અને બે વાછરડા ઈજાગ્રસ્ત અંગોને કારણે દરરોજ પીડાદાયક જીવન જીવી રહ્યા હતા. તેમાંના કેટલાક જન્મથી જ દિવ્યાંગ હતા, જ્યારે અન્યો ઈજાને કારણે યોગ્ય રીતે ઊભા રહી શકતા નહોતા. ખોરાક સુધી પહોંચવું, પેશાબ કરવો કે આરામ કરવો જેવી મૂળભૂત ક્રિયાઓ પણ તેમના માટે એક સંઘર્ષ બની ગઈ હતી, જેના કારણે તેઓ જીવવા માટે સંભાળ રાખનારાઓ પર સંપૂર્ણપણે નિર્ભર હતા.