For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગ્રામ રક્ષકનું અપહરણ ; પાંચ શખ્સોએ બેફામ માર માર્યો

11:41 AM Dec 16, 2023 IST | Sejal barot
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગ્રામ રક્ષકનું અપહરણ   પાંચ શખ્સોએ બેફામ માર માર્યો

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં ગ્રામ રક્ષક દળના જવાનનું અગાઉ થયેલી માથાકુટનો ખાર રાખી પાંચ શખ્સોએ કારમાં અપહરણ કરી માર્કેટીંગ યાર્ડ પાછળ અવાવરૂ સ્થળે લઈ જઈ પટ્ટા અને લાકડી વડે બેરહેમીથી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ વિંછીયા તાલુકાના રૂપાવટી ગામે રહેતા અનિલભાઈ નાગરભાઈ ગાંગડીયા (ઉ.27) નામના કોળી યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રૂપાવટી ગામના કલ્પેશ રમેશભાઈ સાકળીયા, હિતેશ ચતુરભાઈ મકવાણા, વૈભવ સુરેશભાઈ સાકળીયા, વિંછીયા ગામના નિલેશ ગીરીશભાઈ વાઘેલા અને પ્રકાશ જેન્તીભાઈ રાજપરાના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે અને સાથોસાથ ગ્રામ રક્ષક દળમાં માનદ સેવા આપે છે. ગઈકાલે ફરિયાદીને વિંછીયા ગામે ડોકયુમેન્ટ લેવા જવા હોય બાઈક લઈ વિંછીયા ગયો હતો અને પરત મોઢુકા રોડ પર એ ટુ ઝેડ દુકાને બેઠો હતો ત્યારે આરોપી કલ્પેશ સાકળીયા અને હિતેશ મકવાણા દુકાને ધસી આવ્યા હતાં.
આરોપીઓએ ફરિયાદીને ‘બહાર નીકળ તને શેની હવા છે’ તેમ કહી ઝઘડો કર્યો હતો અને બાદમાં આરોપીએ ફોન કરી પોતાના સાગ્રીતોને બોલાવ્યા હતાં ત્યારબાદ પાંચેય શખ્સોએ અલ્ટો કારમાં અપહરણ કરી વિંછીયા માર્કેટીંગ યાર્ડ પાછળ ખુલ્લા મેદાનમાં લઈ જઈ લાકડી અને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ માર્કેટીંગ યાર્ડ પાછળ ઉતારીને નાસી છુટયા હતાં.
આ બનાવ અંગે પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને અગાઉ આરોપી કલ્પેશ સાથે બજારમાં ચબુતરા પાસે બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારથી બન્ને વચ્ચે માથાકુટ ચાલી આવતી હોય જેનો ખાર રાખીને કલ્પેશે પોતાના મિત્રની મદદથી યુવાનનું અપહરણ કરી બેરહેમીથી માર માર્યો હતો. આ બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી પાંચેય હુમલાખોરોની ધરપકડ કરવાની અને ગુનામાં વપરાયેલ વાહનો કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement