For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્ર હરકતમાં : અનેકને નોટિસો ફટકારાઇ

11:23 AM Dec 21, 2023 IST | Sejal barot
ખંભાળિયામાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્ર હરકતમાં   અનેકને નોટિસો ફટકારાઇ

ખંભાળિયા શહેરમાં આવેલી વર્ષો જૂની ઈમારતો તેમજ રજવાડાના સમયના સ્ટ્રકચરને હેરિટેજ લુક આપવા માટે સરકાર દ્વારા સાંપળેલી મંજૂરી વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા જૂદી જૂદી ગઢની રાંગ તેમજ અન્ય સ્થળોએ કામ શરૂૂ થયા પૂર્વે અનઅધિકૃત દબાણ દૂર કરવા માટેની નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી અનેક આસામીઓમાં દોડધામ મચી જવા પામી છે.
ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અગાઉના પાદરના સ્થળોએ રજવાડાના સમયમાં બનાવવામાં આવેલા વિવિધ વિશાળ દરવાજાઓ તેમજ ગઢની રાંગને હેરિટેજ લુક આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઉપરોક્ત કામ માટે આશરે રૂૂપિયા 3.50 કરોડ જેટલી રકમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જેના અનુસંધાને અહીંના દ્વારકા ગેઈટ, સલાયા ગેઈટ, પોર ગેઈટ, વિસ્તારોમાં હાથ ધરવામાં આવનારા કામ માટે અનધિકૃત મનાતા દબાણો વિગેરે દુર કરવા માટે જાહેર નોટીસ અપાયા બાદ આસામીઓને પોતાના બાંધકામ, રહેણાંકને સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે. આ કામગીરીમાં જામનગરની જેમ વચ્ચે નાકુ, દરવાજો અને બંને બાજુ ગઢ (કિલ્લો) રહે તેવી રીતે રજવાડી લુક આપીને આ ગેઈટની કામગીરી કરવામાં આવશે. આટલું જ નહીં, બંને તરફની જગ્યામાં બાંધકામ પણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
અહીંના સલાયા ગેઈટ સહિતના વિસ્તારોમાં કેટલાક આસામીઓ દ્વારા કરવામાં આવેલું દબાણ તેઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આમ, આ સ્થળોએ સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું પાલિકા સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સ્થળોએ દુકાન તેમજ મકાનો પણ ચણી દેવામાં આવ્યા છે. તેના પર બુલડોઝર ફરે તો નવાઈ નહીં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement