For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં આહીરાણીઓના મહારાસનો અલૌકિક નજારો

12:17 PM Dec 25, 2023 IST | Sejal barot
દ્વારકામાં આહીરાણીઓના મહારાસનો અલૌકિક નજારો

ભગવાન શ્રી કૃષ્ણના ધામ દ્વારકા ખાતે રવિવારે ઐતિહાસિક ધર્મમય માહોલ વચ્ચે સદીઓ જૂની પરંપરાને ઉજાગર કરતો અનોખો વિક્રમ સર્જાયો હતો. એક સાથે એક જ મેદાનમાં 37,000 થી વધુ આહિર મહિલાઓએ ભગવાન શ્રીકૃષ્ણ માટે રાસ રમીને અનોખી ભક્તિ કરી હતી. જેણે સમગ્ર વિશ્વ માટે એક સંદેશો છોડી અને સદીઓ જૂની પરંપરા જીવંત કરી દીધી હતી.
દેવભૂમિ દ્વારકા ખાતે ભવ્ય આહીરાણી રાસના બે દિવસના ભવ્ય આયોજનમાં શનિવારે તથા ગઈકાલે રવિવારે વહેલી સવારથી અનેકવિધ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય આકર્ષણ રવિવારે સવારના આહિર મહિલાઓના સામૂહિક અને વિશાળ મહારાસનું આયોજન બની રહ્યું હતું.
શનિવારથી સમગ્ર દ્વારકા વિસ્તાર અને સાજ-શણગારથી દીપી ઉઠ્યો હતો. જેને લઈને સમગ્ર દ્વારકા વિસ્તાર તેમજ ખાસ કરીને જગત મંદિરને સુંદર અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. દ્વારકા નગરી ખરા અર્થમાં સુવર્ણનગરી બની રહી હોય તેવા શણગારથી દીપી ઉઠી હતી. સન્માન સમારોહ સમુહ ભોજન બાદ રાત્રે જાણીતા કલાકાર માયાભાઈ આહીર તેમજ અન્ય કલાકારોના લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
શનિવારે સાંજે આહિર જ્ઞાતિના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાપુરીમાં આહીરાણી મહારાસના કાર્યક્રમની શરૂૂઆત ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ધ્વજા ચડાવીને કરવામાં આવી હતી.
અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનસ્ત્રસ્ત્રના નેજા હેઠળ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ સમા મહારાસના યોજવામાં આવેલા મુખ્ય કાર્યક્રમમાં પ્રથમ તો 16,108 આહીર મહિલાઓ રાસ લ્યે તે માટેની તૈયારી કરવામાં આવી હતી. પરંતુ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં 37,000 થી વધુ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવતા આ આયોજનની ભવ્યતામાં વધારો થયો હતો. રાજ્યના તમામ 24 જેટલા જિલ્લાઓ તેમજ ત્યારબાદ તાલુકાઓમાં આ મહારાસમાં સહભાગી થવા ઈચ્છતા બહેનો માટેના વોટ્સએપ ગ્રુપ તેમજ ઓનલાઈન રજીસ્ટ્રેશનનું આયોજન પણ સુંદર બની રહ્યું હતું.
ગઈકાલે રવિવારે સવારે મહારાસના મુખ્ય આયોજનમાં વહેલી સવારે પાંચેક વાગ્યે દ્વારકામાં કૃષ્ણ મંદિર નજીક આવેલા રૂૂક્ષ્મણી મંદિર નજીકના વિશાળ મેદાનમાં આશરે 800 વીઘા જેટલી જગ્યામાં નંદધામ પરિસરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં સવારે 5:30 વાગ્યાથી બહેનો એકત્ર થયા હતા. કાર્યક્રમના પ્રારંભે આબુના વિશ્વવિખ્યાત બ્રહ્માકુમારી ઉષાદીદીએ ભાગવત ગીતા પર સુંદર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ દ્વારકાના શંકરાચાર્યજી દ્વારા પણ તમામને આશીર્વાદ આપતું ઉદબોધન કરાયું હતું.
રવિવારે સવારે આઠેક વાગ્યાથી મહારાસનો પ્રારંભ થયો હતો. જે દસેક વાગ્યા સુધી અવિરત રીતે રીતે ચાલ્યો હતો. તમે રમવા આવો મહારાસ, ઓ મારા દ્વારકાના નાથ..., ઓ રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો..., મહારાસ રમવા માધવ આવ્યા... આજની ઘડી તે રળિયામણી... સહિતના 37 જેટલા પ્રાચીન અને પરંપરાગત કૃષ્ણ રાસના તાલે આહિર જ્ઞાતિના મહિલાઓ, બહેનોએ ખૂબ જ સુંદર રીતે ધાર્મિક માહોલમાં રાસ રજૂ કર્યા હતા. આ વિશાળ ગ્રાઉન્ડમાં 68 જેટલા ગોળ રાઉન્ડમાં આહિરાણીઓએ રમેલા આ મહારાસ દરમિયાન સંપૂર્ણપણે મૌનવ્રત તેમજ ઉપવાસ ધારણ કરી, કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા હતા. પરંપરાગત પહેરવેશ તેમજ સુંદર આભૂષણો સાથે રાસ રમતા મહિલાએ પ્રાચીન પરંપરા ઉજાગર કરી હતી.
આ દરમિયાન આહિર સમાજના લોકો દ્વારા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર એક સાથે આ આયોજનમાં સહભાગી થઈ અને કૃષ્ણભક્તિની આ પ્રવૃત્તિને બિરદાવી હતી.
આ આયોજનમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ મૂર્તિ તેમજ સાથે રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજને ફરકતો રાખવામાં આવ્યો હતો. આ મહારાસની પૂર્ણાહુતિ બાદ આહીર સમાજના શ્રેષ્ઠિઓ, આગેવાનો, નેતાઓ, કાર્યકરો વિગેરે દ્વારા વિશ્વ શાંતિ માટે રેલી સ્વરૂૂપે આ મહારાસ ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરવામાં આવ્યો હતો.
આ આયોજન દરમ્યાન કોઈપણ વ્યક્તિ માટે મેડિકલ ઈમરજન્સી સર્જાય, તો તે માટે આ સ્થળે કામચલાઉ મીની હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. ગુજરાત આહીર ડોક્ટર એસોસિએશન દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મેડિકલ ટીમની આગેવાની હેઠળ ઉભી કરવામાં આવેલી.
બે દિવસ દરમિયાન લાખો લોકોએ સમૂહમાં ભોજન પણ લીધું હતું. જે માટે કાર્યકરોની ટીમની જહેમત પણ નોંધપાત્ર બની રહી હતી. અહીં વિશાળ ડોમ, મંડપ, પાર્કિંગ, મોબાઈલ ટોઇલેટ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભગવાન શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું. ધાર્મિકતા સાથે સમાજ સંગઠન અને સ્વયંસિસ્તનો આ સમન્વય વિશ્વવિક્રમ રૂૂપ બની રહ્યો હતો.
આહિર આગેવાન મુળુભાઈ કંડોરિયાની જમીન પર યોજવામાં આવેલા આ આહિરાણી મહારાસના ભવ્યાતિભવ્ય આયોજનમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, હેમંતભાઈ આહિર, વિક્રમભાઈ માડમ, પ્રવીણભાઈ માડમ, ત્રિકમ છાંગા, વાસણભાઈ આહિર, બાબુભાઈ હુંબલ, મુળુભાઈ કંડોરિયા, અંબરીશભાઈ ડેર, ભરતભાઈ ડાંગર, ભીખુભાઈ વારોતરિયા, તેજાબાપા કાનગઢ, મેરામણભાઈ ભાટુ, સહિતના આહિર સમાજના અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઐતિહાસિક સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement