For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાફેડમાં જય સહકાર, ડિરેક્ટર પદે કુંડારિયા બિનહરીફ

04:08 PM May 15, 2024 IST | Bhumika
નાફેડમાં જય સહકાર  ડિરેક્ટર પદે કુંડારિયા બિનહરીફ
Advertisement

ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા રાજકોટના સાંસદ બિનહરીફ વિજેતા

ભાજપે કોઈને મેન્ડેટ નહીં આપી સહકારી નેતાઓ ઉપર મામલો છોડી દેતા ઈફકોવાળી અટકી

Advertisement

ગુજરાતમાં દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના આંતરિક રાજકીય આટાપાટા વચ્ચે ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવાર બીપીન પટેલ સામે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા ચૂંટાયા બાદ બીજી રાષ્ટ્રીય કક્ષાની સહકારી સંસ્થા નાફેડના ડીરેક્ટરની ચૂંટણીમાં આજે ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું હતું અને પાંચ પૈકી ચાર ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતા રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા નાફેડના ડીરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

સૌથી આશ્ર્ચર્યની વાત એ છે કે, ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં મેન્ડેટ આપનાર ભાજપનો ફજેતો થયા બાદ નાફેડના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપવાનું ટાળ્યું હતું અને સમગ્ર મામલો સહકારી પરિવાર ઉપર છોડી દીધો હતો આ એક બેઠક માટે ઉમેદવાર નક્કી કરવાનું કામ પણ જયેશ રાદડિયા, અજયભાઈ પટેલ અને દિલીપભાઈ સંઘાણીને સોંપી હતી. અને આ ત્રણેય નેતાઓએ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયાને ઉમેદવાર ઘોષિત કર્યા હતાં.

આ એક બેઠક માટે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા ઉપરાંત મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન મગન વડાવિયા તથા તેજસ પટેલ, અમૃતભાઈ દેસાઈ અને જસવંત પટેલે ફોર્મ ભર્યા હતાં.નાફેડના કુલ 562 મતદારોમાંથી ગુજરાતની એક બેઠક અને 250 મતદારો છે જે પૈકીના 180 મતદારો એકલા રાજકોટ જિલ્લામાં જયેશ રાદડિયા પાસે અકબંધ છે. જ્યારે અન્ય 200 મત નાફેડના ચૈરમેન ચંદ્રપાલ પાસે છે. રાદડિયા અને ચંદ્રપાલે હાથ મિલાવી લેતા ચૂંટણી થાય તો પણ જયેશ રાદડિયા કહે તે ઉમેદવાર જ ચૂંટાય તેવી સ્થિતિ છે.

બીજી તરફ ગુજકોમાં સોલ વિભાગની એક બેઠક ઉપર ગુજરાતના જ પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ નાફેડમાં બિનહરીફ ચૂંટાયા છે.જ્યારે અન્ય વિભાગની એક બેઠક ઉપર ભાજપે મામલો સહકારી નેતાઓ ઉપર છોડી દેતા ઈફકોવાળી થતાં અટકી છે અને ભાજપના જ નેતા ચુંટાયા છે. ઉલ્લેખનીય છે કે, ઈફકોની ચૂંટણીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને પણ જયેશ રાદડિયાની સાથે અડીખમ ઉભા રહ્યા હતાં.

બીપીન ગોતાને નાફેડની ચૂંટણીથી દૂર જ રખાયા
નાફેડની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપવાનું દોઢ ડહાપણ નહીં વાપરતા અને સમગ્ર મામલો સહકારી નેતાઓ ઉપર છોડી દેતા ભાજપના જ સાંસદ મોહનભાઈ કુંડારિયા બિન હરીફ ચૂંટાયા છે. બીજી તરફ ઈફકોની ચૂંટણીમાં ભાજપનો મેન્ડેટ લાવનાર અમદાવાદના બીપીન ગોતાને નાફેડના ડિરેક્ટરની ચૂંટણીથી દૂર જ રાખવામાં આવ્યા હતાં એન તેનો કોઈ રોલ આ ચૂંટણીમાં રહ્યો ન હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement