For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એ પીડિત પરિવાર છે… એને તો રે’વા દયો, પોલીસને પોકાર

05:18 PM Jun 25, 2024 IST | Bhumika
એ પીડિત પરિવાર છે… એને તો રે’વા દયો  પોલીસને પોકાર
Advertisement

કોંગ્રેસના કાર્યકરોને પકડવા અધીરી બનેલી પોલીસે બંધ માટે વિનંતી કરી રહેલા પીડિત પરિવારને પણ ઉપાડી લેતા ભારે હંગામો, પોલીસ હાય…હાયના નારા લગાવી વ્યકત કરાયો આક્રોશ

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે 27 હતભાગીઓને શ્રધ્ધાંજલી આપવા માટે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારથી જ કોંગ્રેસી અગ્રણીઓ અને મૃતકોના પરિવારજનો શહેરના રાજમાર્ગો પર ઉતરી પડયા છે અને સ્વૈચ્છાએ બંધમાં જોડાવવા અપીલ કરી રહ્યાં છે ત્યારે અગ્નિકાંડમાં પોતાની બહેન ગુમાવનાર યુવાન પણ દુકાનો બંધ કરાવવા અપીલ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તેની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

Advertisement

નાના મવા નજીક આવેલ ટીઆરપી ગેમઝોનમાં એક મહિના પહેલા લાગેલી ભીષણ આગને કારણે 9 બાળકો સહિત 27 વ્યક્તિઓ બળીને ભળથુ થઈ ગયા હતાં. આ અગ્નિકાંડમાં પોલીસ તંત્ર અને મહાનગરપાલિકાના પાપે જ સર્જાયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે કોર્પોરેશનના ટીપીઓ શાખા અને ફાયર બ્રિગેડના અધિકારીઓની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે.

રાજ્ય સરકારે પોતાની બેદરકારી છતી ન થાય તે માટે સીટની રચના કરી હતી અને અલગ અલગ ટીમો પાસે તપાસ કરાવી હતી. જો કે સીટના રિપોર્ટમાં પણ ભાજપના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને કલીનચીટ આપી દેવામાં આવી છે. જેના વિરૂધ્ધમાં અને મૃતકોને શ્રધ્ધાંજલી આપવા માટે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

કોંગ્રેસની સાથે અગ્નિકાંડમાં પોતાના સ્વજનોને ગુમાવનાર પીડિત પરિવારો પણ વેપાર ધંધા બંધ રહે તે માટે લોકોને અપીલ કરવા માટે નીકળ્યા હતાં. જેમાં કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર પાસે બે હાથ જોડીને દુકાનો બંધ કરાવવા નીકળેલા પીડિત પરિવારના યુવાનને પોલીસે આંદોલનકારી સમજી ઢસળીને પોલીસ વેનમાં બેસાડી દીધો હતો. આ વખતે લોકોએ પોકાર કર્યો હતો કે તે પીડિત પરિવાર છે એને તો રેવા દો. પરંતુ ઉચ્ચ અધિકારીઓ પાસે સારા થવા માટે પોલીસે પીડિત પરિવારના યુવાનની પણ અટકાયત કરી હતી.

અગ્નિકાંડમાં પોતાની બહેન ગુમાવનાર યુવાનની પોલીસે અટકાયત કરતાં ભારે હંગામો મચી ગયો હતો અને પોલીસ હાય હાયના નારા લગાવી યુવાને રોડ પર સુઈ જઈ પોતાનો આક્રોષ વ્યકત કર્યો હતો. પિડીત પરિવારના યુવકે રોડ પર સુઈ જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે આ યુવકને કોગ્રેસના કાર્યકર્તાઓની સાથે અટકાયત કરી લઈ પોલીસ હેડ કવાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો અને બપોર બાદ યુવકને મુકત કરી દેવામાં આવ્યો છે.

મહિલા પોલીસ વગર પહોંચેલું દળકટક કોંગ્રેસનાં મહિલા કાર્યકર સામે લાચાર બન્યું

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર પાસે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું જેમાં કોંગ્રેસી કાર્યકરોની પોલીસે બળ પ્રયોગ કરી અટકાયત કરી હતી અને પોલીસની વેનમાં બેસાડી દેવામાં આવ્યા હતાં ત્યારે કોંગ્રેસી મહિલા કાર્યકરે વેનની આડે ઉભા રહી જઈ પોલીસની કામગીરી અટકાવી હતી. જો કે પાછળથી મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આવી જતાં પોલીસ વેન અટકાવનાર મહિલા કોંગ્રેસી કાર્યકરની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિર પાસે સવારે અડધો કલાક સુધી હંગામો મચી ગયો હતો જેમાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હેડકવાર્ટર ખાતે લઈ જવામાં આવતાં હતાં ત્યારે પોલીસની વેન આડે કોંગ્રેસ મહિલા કાર્યકર ઉભી રહી ગઈ હતી. મહિલા પોલીસ વગરના પોલીસ કાફલો મહિલા કોંગ્રી અગ્રણી પાસે લાચાર બની ગયો હતો. તાત્કાલીક પોલીસ કંટ્રોલમાંથી મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મદદે બોલાવ્યા બાદ મહિલા કોંગી કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement