ઝાફર એક્સપ્રેસ હાઇજેક ડ્રામા; 16 બલૂચ ઠાર, 104 બંધકોની મુક્તિ
પાકિસ્તાન સરકારનું મિલિટરી ઓપરેશન, હજુ 110 મુસાફરો બાનમાં, કેદીઓને છોડવાની માંગ પણ સરકારે ફગાવી
મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરવામાં આવી હતી. જેમાં 500 જેટલા લોકો સવાર હતા. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. સંગઠને દાવો કર્યો છે કે તેણે 214 મુસાફરોને બંધક બનાવ્યા છે અને 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. જો સુરક્ષા દળો પીછેહઠ નહીં કરે તો તમામ બંધકોને મારી નાખવાની ધમકી પણ જૂથે આપી છે. તે જ સમયે, સુરક્ષા દળોએ ઓછામાં ઓછા 16 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 104 મુસાફરોને બચાવ્યા છે.
આતંકવાદી જૂથે તેની માંગણીઓમાં કહ્યું છે કે બલૂચ રાજકીય કેદીઓ અને રાષ્ટ્રીય પ્રતિકાર કાર્યકરોને બિનશરતી મુક્ત કરવામાં આવે. બદલામાં, તેઓ બંધકોને છોડવા માટે તૈયાર છે અને આ માટે તેઓએ 48 કલાકની સમય મર્યાદા નક્કી કરી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં 16 આતંકવાદીઓને ઠાર કર્યા છે.
જાફર એક્સપ્રેસ ક્વેટા જતી વખતે હુમલાનો શિકાર બની હતી. ટનલ નંબર 8 પાસે ટ્રેનને આતંકવાદીઓએ ઘેરી લીધી હતી અને ત્યાર બાદ ટ્રેનના મુસાફરો સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. આતંકવાદીઓએ એવો દાવો કર્યો હતો કે તેઓ દૂરના સ્થળે પાટા પરથી ઉતરીને ટ્રેનને કબજે કરી લીધી હતી. જો કે, બલૂચ સત્તાવાળાઓ અથવા રેલવેએ હજુ સુધી કોઈ જાનહાનિ અથવા બંધકોની સ્થિતિની પુષ્ટિ કરી નથી.
સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરવા માટે મોટાપાયે ઓપરેશન શરૂૂ કર્યું છે. ભારે ગોળીબાર અને હવાઈ હુમલા થઈ રહ્યા છે. આતંકવાદી જૂથનું કહેવું છે કે તેણે સેનાના ગ્રાઉન્ડ ઓપરેશનને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધું છે અને સેનાને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી છે. BLA નેતાઓનું કહેવું છે કે અમે જાફર એક્સપ્રેસને સંપૂર્ણપણે કબજે કરી લીધી છે અને સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન ખતમ કરી દીધું છે. જોકે, પાકિસ્તાનના હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા બોમ્બમારો હજુ પણ ચાલુ છે.
બલૂચ લિબરેશન આર્મીએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાની સુરક્ષા દળો કોઈપણ સૈન્ય કાર્યવાહી શરૂૂ કરશે તો તેના પરિણામો ગંભીર હશે. તેમનું કહેવું છે કે તમામ બંધકોને મારી નાખવામાં આવશે અને આ માટે માત્ર પાકિસ્તાની સેના જ જવાબદાર રહેશે.
પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ આ હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે નિર્દોષ મુસાફરો પર ગોળીબાર કરનારાઓ સાથે સરકાર કોઈ સમજૂતી નહીં કરે. બલૂચિસ્તાન સરકારે કટોકટીના પગલાં લાગુ કર્યા છે અને પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ સંસ્થાઓને સક્રિય કરી છે.
તાજેતરના વર્ષોમાં અહીં ચીનનો પ્રભાવ વધ્યો હોવાથી, BLAએ હુમલા તેજ કર્યા છે. BLA અનેક આત્મઘાતી હુમલાઓ અને મોટા હુમલાઓ માટે પણ જવાબદાર છે. મજીદ બ્રિગેડ, જેને BLAની આત્મઘાતી ટુકડી ગણવામાં આવે છે, તે ઘણા હાઈ-પ્રોફાઈલ હુમલાઓમાં સામેલ છે જેમાં 2018માં કરાચીમાં ચીની દૂતાવાસ પર હુમલો અને 2019માં ગ્વાદરમાં એક વૈભવી હોટેલ પરનો હુમલો સામેલ છે.
ચીન દ્વારા ખનીજોની ઉઠાંતરી સમગ્ર વિવાદનું મૂળ
બલૂચની પહેલી અને મુખ્ય માંગ એ છે કે બલૂચિસ્તાનમાં કોઈ પાકિસ્તાની એજન્સી કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ સિવાય બલોચનું માનવું છે કે ચીન સાથે CPEC પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. પ્રોજેક્ટ દ્વારા તેમના ખનીજનું શોષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સને કારણે મોટી સંખ્યામાં સમુદાયના લોકો વિસ્થાપિત થયા છે. ત્યારથી, બલૂચ લોકો ઘણા વર્ષોથી સતત આ પ્રોજેક્ટ્સને અહીંથી હટાવવાની માંગ કરી રહ્યા છે. BLA દ્વારા પાકિસ્તાન પર આ કોઈ નવો હુમલો નથી, ઇકઅ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન પર આવા હુમલાઓ કરી રહી છે. ક્યારેક તે ચીની એન્જિનિયરોને નિશાન બનાવે છે તો ક્યારેક પાકિસ્તાની રાજદ્વારીઓને નિશાન બનાવે છે.