કૈલાશ માનસરોવરના દર્શન માટે ચીન નહીં જવું પડે
15 સપ્ટેમ્બરથી ભારતની ધરતી પરથી દર્શન કરી શકાશે
હવે ઉત્તરાખંડના પવિત્ર કૈલાશ માનસરોવરના દર્શન કરવા ભક્તોને ચીન નહીં જવું પડે. તેઓ 15 સપ્ટેમ્બરથી ભારતની ધરતી પરથી કૈલાશ માનસરોવરના દર્શન કરી શકશે. ઉત્તરાખંડ સરકાર દર્શન યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે. પ્રવાસના નિયમો ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ચીન સરહદ પાસે જૂના લિપુલેખથી કૈલાશ માનસરોવરના દર્શન કરાવવાની તૈયારીઓ અંતિમ ચરણમાં છે.
આદિ કૈલાશ અને ઓમ પર્વતની મુલાકાત લેતી વખતે, ભક્તો નાભિધંગથી વાહન દ્વારા લગભગ 12 કિલોમીટરનું અંતર કાપશે. પવિત્ર કૈલાશ પર્વતને જોવા માટે, તેઓએ જૂના લિપુલેખથી સમુદ્ર સપાટીથી 17,500 ફૂટની ઉંચાઈ પર વ્યુ પોઈન્ટ સુધી લગભગ 200 મીટર ચાલવું પડશે. ત્યાંથી તેઓ ભગવાન શિવના નિવાસ સ્થાન કૈલાસ પર્વતના મનોહર દૃશ્યનો આનંદ માણી શકશે. તેમને પૂજા, ધ્યાન વગેરેની પણ તક મળશે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભક્તોને સવારે કૈલાશ પર્વતના દર્શન માટે મોકલવામાં આવશે. ત્યાં હવાનું દબાણ વધુ હોવાથી દિવસભર દર્શન કરવામાં મુશ્કેલી પડે છે. ટ્રાવેલ એજન્સીએ ત્યાંના મુસાફરો માટે ઓક્સિજનની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.