ફાંસીથી બચવા યાસીન મલિકની અહિંસાની વાતો
મોટા ભાગના માણસોને મોત સામે દેખાય ત્યારે તેના વિચારો, વિચારધારા બધું બદલાઈ જાય છે. એ વખતે તેમને પોતાનાં ભૂતકાળમાં કુકર્મો ને કરતૂતો યાદ નથી આવતાં. બલ્કે જીવ બચાવવા શું કરવું તેના સિવાય કંઈ સૂઝતું નથી ને તેના માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીન (જેકેએલએફ)ના પ્રમુખ યાસીન મલિકે ફાંસીની સજા સામે દેખાતાં કરવા માંડેલી દલીલો તેનો તાજો પુરાવો છે. એરફોર્સના ચાર જવાનોની હત્યામાં સામેલ યાસીન મલિકને 25 મે 2022ના રોજ પટિયાલા હાઉસ કોર્ટે હત્યા અને ટેરર ફંડિંગના કેસમાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (ગઈંઅ) મલિકને ફાંસીની સજા થાય એમ ઈચ્છે છે તેથી ઉપલી કોર્ટમાં અરજી કરી છે.
આ સિવાય તેના સંગઠન પર આતંકવાદ વિરોધી કાયદા હેઠળ મુકાયેલા પ્રતિબંધનો કેસ પણ ચાલે છે.યાસીન મલિકે આ કેસમાં યુએપીએ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં દાવો કર્યો છે કે, પોતે શસ્ત્રો છોડી ચૂક્યો છે અને હવે ગાંધીવાદી વિચારધારા પ્રમાણે જીવે છે. મલિકના કહેવા પ્રમાણે, હવે તેને હથિયારોના ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિમાં વિશ્ર્વાસ રહ્યો નથી અને તેના બદલે ગાંધીવાદી પદ્ધતિમાં વધારે વિશ્ર્વાસ છે તેથી પોતાને ફાંસીની સજા ના થવી જોઈએ અને પોતાના સંગઠનને આતંકવાદી સંગઠન ગણાવીને મુકાયેલા પ્રતિબંધ પણ હટાવી લેવો જોઈએ.મલિકની વાતો હાસ્યાસ્પદ છે કેમ કે યાસીન મલિકનો ઈતિહાસ જ આતંકવાદ અને હત્યાઓથી ભરેલો છે. જમ્મુ અને કાશ્મીરમાં લોહી વહેવડાવવાની શરૂૂઆત કરનારા જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો પ્રમુખ છે.
કાશ્મીરને આઝાદ કરવા માટે યુવાનોના હાથમાં હથિયારો પકડાવીને સશસ્ત્ર લડાઈ કરવા આ સંગઠન સ્થપાયેલું. કાશ્મીરમાં આતંકવાદીઓના આદર્શ મનાતો મકબૂલ બટ્ટ જમ્મુ એન્ડ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ)નો મુખ્ય આતંકવાદી હતો. બટ્ટે સંખ્યાબંધ હત્યાઓ કરી તેની ધાક ઊભી કરી દીધેલી. અત્યારે પાકિસ્તાનમાં રહેતો આતંકવાદી સરદાર સૈયદ સલાહુદ્દીન પણ કાશ્મીરમાં સક્રિય હતો અને મલિક એ જમાનામાં સલાહુદ્દીનનો ખાસ માણસ હતો.જમ્મુ અને કાશ્મીરમાં 1987માં વિધાનસભાની ચૂંટણી વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું જોડાણ હતું. એ વખતે આતંકવાદ ભડકવાની શરૂૂઆત થઈ ગયેલી અને સૈયદ સલાહુદ્દીન તથા યાસીન મલિક તેના સૂત્રધાર હતા. યાસીન મલિકે પોતે ભારતના બંધારણને નથી માનતો એવું જાહેર કરી દીધેલું. મલિક અને સલાહુદ્દીન બહાર આવ્યા ત્યારે કાશ્મીરમાં લશ્કર આતંકવાદીઓની લાશો પાડતું હતું તેથી બંને ડરીને પાકિસ્તાન ભાગી ગયા હતા. યાસીન થોડા મહિના પછી સરહદ ઓળંગીને ગૂપચૂપ પાછો કાશ્મીરમાં આવી ગયો. અને કાશ્મીરમાં તેણે જેકેએલએફના માધ્યમથી કાળો કેર વર્તાવવા માંડ્યો.
સલાહુદ્દીન આઈએસઆઈ સાથે મળીને કામ કરતો તેથી તેણે મલિકને મદદ કરવા માંડી. યાસીન મલિક અને સલાહુદ્દીને 1990ના દાયકામાં કાશ્મીરમાં કાળો કેર વર્તાવેલો. એ વખતે જ મલિકે એરફોર્સના ઓફિસરોની હત્યા કરી હતી. 25 જાન્યુઆરી, 1990ના રોજ શ્રીનગરમાં મલિકે એરફોર્સના સ્ટેશન પર હુમલો કરીને 4 અધિકારીને મારી નાખેલા. સલાહુદ્દીન અને મલિકની જોડી એ વખતે આતંકવાદીઓમાં અત્યંત લોકપ્રિય હતી.મલિક ત્યારથી અહિંસક લડતની વાતો કરીને લોકોને ઉલ્લું બનાવે છે. મલિકને બીજા એક કટ્ટરવાદી નેતા અમાનુલ્લાખાને જેકેએલએફમાંથી કાઢી મૂક્યો તો સામે મલિકે અમાનુલ્લાને કાઢી મૂક્યો. મલિક ત્યારથી જેકેએલએફનો સર્વેસર્વા છે. મલિક ગાંધીવાદની વાતો કરે છે, બાકી આતંકવાદીઓ સાથે તેના સંબંધો બહુ જાણીતા છે અને આતંકવાદને તેણે પોષ્યો છે. હવે જીવ બચાવવા માટે એ ગાંધીવાદની વાતો કરે એ ના ચાલે.