વિશ્ર્વ યુદ્ધના ભણકારા; ખોરાક-પાણી-દવાનો સ્ટોક રાખવા નાટોની સૂચના
અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડેને તાજેતરમાં જ યુક્રેનને રશિયા પર 300 કિમીની રેન્જ ધરાવતી ATACMS(એટેક ધેમ) મિસાઇલોથી હુમલો કરવાની પરવાનગી આપી છે. આ પછી યુક્રેને મંગળવારે રશિયા પર 6 મિસાઈલો છોડી હતી. જેના કારણે તણાવ વધુ વધી ગયો છે.
આ તણાવની ગરમી રશિયાની સરહદ નજીક સ્થિત ત્રણ નાટો દેશો સુધી પણ પહોંચી ગઈ છે. રશિયાના વળતા હુમલાની ધમકીએ ત્રણ નાટો દેશ નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડમાં પણ ભય પેદા કર્યો છે. આ ત્રણેય દેશોએ તેમના નાગરિકોને જીવન ટકાવી રાખવા માટે જરૂૂરી સામાનનો સ્ટોક રાખવા અને તેમના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા સૂચના આપી છે. નાટોના સ્થાપક દેશોમાંનો એક નોર્વે રશિયા સાથે 195 કિમી સરહદ શેર કરે છે. નોર્વેએ તેના નાગરિકોને યુદ્ધ વિશે ચેતવણી આપતા પત્રિકાઓ અને પેમ્ફલેટ્સનું વિતરણ કર્યું છે. સ્વીડને પણ તેના લોકોને પત્રિકાઓ મોકલી છે. આટલું જ નહીં, આ દેશોએ પરમાણુ યુદ્ધ દરમિયાન રેડિયેશનથી બચવા માટે ઉપયોગમાં લેવાતી આયોડિન ટેબ્લેટને ઘરે રાખવાની સૂચના પણ આપી છે.
નાટો સભ્ય દેશ ફિનલેન્ડ પણ રશિયા સાથે 1340 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. અહીંની સરકારે યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને મદદ કરવા માટે એક નવી વેબસાઇટ શરૂૂ કરી છે. ફિનલેન્ડ સરકાર દ્વારા એક ઓનલાઈન સંદેશ જારી કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જો દેશ પર હુમલો થશે તો સરકાર શું કરશે. ફિનલેન્ડે તેના લોકોને યુદ્ધને કારણે પાવર કટનો સામનો કરવા માટે બેક-અપ પાવર સપ્લાય જાળવવા કહ્યું છે. આ ઉપરાંત લોકોને એવી ખાદ્ય ચીજોનો સ્ટોક રાખવા માટે કહેવામાં આવ્યું હતું જે ઓછી ઉર્જા વાપરે છે અથવા રાંધ્યા વિના ખાઈ શકાય છે.
નાટોનો સૌથી નવો સભ્ય દેશ સ્વીડન છે. જેની સરહદ રશિયા સાથે વહેંચાતી નથી. આમ છતાં સ્વીડને યુદ્ધના કિસ્સામાં નાગરિકો માટે માર્ગદર્શિકા ધરાવતી ઈન કેસ ઓફ ક્રાઈસિસ ઓફ વોર નામની પુસ્તિકા બહાર પાડી છે. તે કહે છે કે યુદ્ધ દરમિયાન કટોકટીનો સામનો કરવા માટે 72 કલાકનો ખોરાક, પીવાનું પાણી અને આવશ્યક દવાઓનો સંગ્રહ કરવો જોઈએ. એટલું જ નહીં, માર્ગદર્શિકામાં લોકોને બટાકા, કોબી, ગાજર અને ઈંડાનો પુષ્કળ પ્રમાણમાં સ્ટોક કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોએ યુક્રેનને રશિયા પર 300 કિમીની રેન્જની અઝઅઈખજ (એટેક ધેમ) મિસાઇલોથી હુમલો કરવાની મંજૂરી આપવાના વર્તમાન યુએસ પ્રમુખ બાઇડેનના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, પશ્ચિમ ઇચ્છે છે કે યુક્રેનમાં યુદ્ધ કોઈપણ સંજોગોમાં ચાલુ રહે, તેનાથી તેમને ફાયદો થશે. હંગેરીના વિદેશ પ્રધાન પીટર સિજાર્ટોએ કહ્યું કે બાઇડેન યુદ્ધનો ઉન્માદ ફેલાવવા માટે લોકોના અભિપ્રાયની અવગણના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સ્લોવાકિયા અને હંગેરી બંને નાટોના સભ્ય દેશો છે અને ઊઞમાં સામેલ છે.
હાઈબ્રિડ યુદ્ધ શરૂ?
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો તણાવ સમુદ્ર સુધી પહોંચી ગયો છે. જર્મની અને ફિનલેન્ડ પર બાલ્ટિક સમુદ્રમાં બે કોમ્યુનિકેશન કેબલ કાપવાનો આરોપ છે. બંને દેશોએ કહ્યું કે બાલ્ટિક સમુદ્રમાં કોમ્યુનિકેશન કેબલ કાપવાની આ ઘટનાઓ 17 અને 18 નવેમ્બરે બની હતી, જેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. બાલ્ટિક સમુદ્ર એક મહત્વપૂર્ણ શિપિંગ માર્ગ છે, જેની આસપાસ 9 દેશો આવેલા છે. આ ઘટનાથી હાઈબ્રિડ યુદ્ધનું જોખમ વધી ગયું છે.