શીખ શ્રધ્ધાળુઓના જથ્થામાં પાક. પહોંચેલી મહિલા પાછી ન આવી, ત્યાં જ લગ્ન કર્યા
ગત 4 નવેમ્બરના રોજ શ્રી ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના પર્વ પર 1932 શ્રદ્ધાળુઓના જથ્થા સાથે અટારી બોર્ડર દ્વારા પાકિસ્તાન ગયેલી પંજાબની એક મહિલા ગુમ થઈ ગઈ છે. આ મહિલાની ઓળખ 52 વર્ષીય સરબજીત કૌર તરીકે થઈ છે. જે કપૂરથલા જિલ્લાના અમૈનીપુરની રહેવાસી છે. તે 1932 શ્રદ્ધાળુઓના જથ્થા સાથે અટારી બોર્ડરથી પાકિસ્તાન ગઈ હતી. આ શીખોનો જથ્થો 10 દિવસ સુધી વિવિધ ગુરુદ્વારાઓના દર્શન કર્યા પછી ભારત પરત ફર્યો હતો, પરંતુ વાપસી વખતે સરબજીત કૌર જથ્થામાં સામેલ નહોતી. ભારતીય એજન્સીઓએ સરબજીત કૌરની તલાશ શરુ કરી તો તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો. તપાસમાં જાણવા મળ્યું કે, તેણે પોતાનું નામ બદલીને નૂર હુસૈન કરી દીધું છે અને પાકિસ્તાની યુવક નાસિર હુસૈન સાથે લગ્ન કરી લીધા છે.
સરબજીતના લગ્ન કરનૈલ સિંહ સાથે થયા હતા, તેઓ લગભગ 30 વર્ષથી ઇંગ્લેન્ડમાં રહે છે. પરંતુ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને બે પુત્રો છે. સરબજીત કૌર અને તેના બંને પુત્રો વિરુદ્ધ ગઉઙજ એક્ટ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે. સરબજીત વિરુદ્ધ સિટી પોલીસ સ્ટેશન કપૂરથલામાં બે અને ભટિંડામાં એક કેસ નોંધાયેલો હતો, જે હવે બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, તેના બે પુત્રો વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 10 કેસ નોંધાયેલા છે. શુક્રવારે જ્યારે પંજાબ પોલીસ કપૂરથલા જિલ્લાના ટિબ્બા શહેરમાં સરબજીત કૌરના ગામ અમાનીપુર પહોંચી તો તેના પરિવારના સભ્યોએ તેમના અંગે કોઈ માહિતી ન આપી. ત્યારબાદ જ્યારે એજન્સીઓને મોડી રાત્રે સરબજીતનું નિકાહનામું હાથ લાગ્યું ત્યારે મામલો સ્પષ્ટ થયો. વર્ષ 2018માં પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. પંજાબના હોશિયારપુરની કિરણ બાલા એક જથ્થા સાથે પાકિસ્તાન ગઈ હતી. ત્યાં તેણે ધર્મ પરિવર્તન કરીને નિકાહ કરી લીધા હતા.
ત્યારબાદ માત્ર એજ મહિલાને જથ્થા સાથે પાકિસ્તાન જવાની પરવાનગી મળતી હતી, જેનું કોઈ સબંધી પણ સાથે જઈ રહ્યું હોય. હવે સવાલ એ છે કે સરબજીત કૌરને એકલા જવાની પરવાનગી કેવી રીતે મળી? પાકિસ્તાન જતા શ્રદ્ધાળુઓની યાદી કેન્દ્ર સરકારને મોકલવામાં આવે છે. કેન્દ્ર સરકાર તપાસ કરીને વિઝા ઇશ્યુ કરાવે છે. આવી સ્થિતિમાં સરબજીતને પાકિસ્તાન મોકલવામાં નવી દિલ્હીમાં પાકિસ્તાની હાઇ કમિશનના કર્મચારીઓની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. આ સાથે જ શિરોમણી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટિની દેખરેખ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.