ઝૂકેગા નહીં; 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા નવી રણનીતિ તૈયાર
નિકાસકારો-કામદારો માટે રાહત પેકેજ યોજના તૈયાર, વિકલ્પોની શોધ, મોદી સરકારની મેરેથોન બેઠકમાં નિર્ણય
અમેરિકા દ્વારા લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ સામે બાથ ભીડવા માટે ભારતે રણનીતિ તૈયાર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે વરિષ્ઠ કેન્દ્રિય મંત્રીઓ અને નાણાં અને વાણિજ્ય વિભાગના અધિકારીઓની સાથે એક મેરેથોન બેઠક કરી હતી. તેમાં નિકાસકારો અને કામદારો માટે રાહત પેકેજની યોજના તૈયાર કરી છે. તેમાં તાત્કાલિક ઋણ, નિકાસકારોને એક વખતની રાહત અને કામદારોને સુરક્ષા આપવાનો સમાવેશ થાય છે.
સૂત્રોના અનુસાર સરકાર આજે અથવા આ અઠવાડિયે ટેરિફથી પ્રભાવિત ક્ષેત્રો સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકો, નિકાસકારો અને કામદારો માટે ઓછામાં ઓછા છ મહિનાના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. બેઠકમાં કાપડ, ચામડું, રમકડાં, રસાયણો, પ્લાસ્ટિક અને રમકડાં જેવા ઉત્પાદનોની નિકાસ પર યુએસ ટેરિફની અસરની સમીક્ષા કરવામાં આવી હતી. નવા બજારો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ ક્ષેત્રોને રાહત પેકેજ આપવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે. સરકારી વ્યૂહરચનાકારો માને છે કે જો યુએસ ટેરિફનો વિકલ્પ મળી જાય, તો આ કટોકટી મહત્તમ છ મહિના સુધી રહેશે. આવી સ્થિતિમાં, ટેરિફથી પ્રભાવિત ક્ષેત્રોને ઓછામાં ઓછા તેટલા લાંબા સમય સુધી રાહત આપવામાં આવશે.
અમેરિકાના ટેરિફનો સામનો કરવા માટે, ભારત અમેરિકા સામે ઝૂકવાને બદલે નવા રસ્તાઓ શોધી રહ્યું છે. વડાપ્રધાન મોદી આ મહિને ચીન અને જાપાનની મુલાકાત લેશે. તેમનો ઉદ્દેશ્ય ભારતીય ઉત્પાદનો માટે નવા બજારો પૂરા પાડવાનો રહેશે.
ચીન સાથે અનેક સ્તરે વાતચીત ચાલી રહી છે, જ્યારે જાપાને ભારતમાં મોટું રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જાપાની કંપની સુઝુકી મોટર કોર્પોરેશને પણ મંગળવારે ભારતમાં 70 હજાર કરોડ રૂૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, રશિયાના પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુક ઝેલેન્સકી આગામી થોડા મહિનામાં ભારતની મુલાકાતે આવવાના છે. આ સમય દરમિયાન, નિકાસમાં અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા પર ચર્ચા થશે.
તમિલનાડુમાં 1.5 લાખ નોકરી જશે, હજારો કરોડોનું નુકસાન
તમિલનાડુના તિરુપુરના નિકાસકારોને મોટા પાયે નોકરીઓમાં કાપ, ફેક્ટરી બંધ થવા અને હજારો કરોડ રૂૂપિયાનું નુકસાન થઈ શકે છે. આ ઔદ્યોગિક શહેર ભારતમાંથી થતી કુલ નીટવેર નિકાસમાં લગભગ 68% હિસ્સો ધરાવે છે અને લગભગ દસ લાખ લોકોને રોજગારી આપે છે. અહેવાલો અનુસાર તેમને લગભગ 1.5 લાખ નોકરીઓ ગુમાવવી અને 12000 કરોડ રૂૂપિયાના મહેસૂલ નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
50% ડ્યૂટી પછી આ વસ્તુની નિકાસને અસર થશે
ઝીંગા - 60%
કાર્પેટ - 52.9%
knitted વસ્ત્રો - 63.9%
ટેક્સટાઇલ કાપડ - 59%
હીરા અને સોનાની વસ્તુઓ - 52.1%
મશીનરી - 51.3%
ફર્નિચર અને પલંગ - 52.3%