જંગલમાં લાગેલી આગ ચિલીના શહેરો સુધી પહોંચી, મૃત્યુઆંક વધીને 99 થયો, 1600 મકાનો બળીને ખાખ
ચિલીમાં જંગલમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. ઘણા ઘરો બળીને રાખ થઈ ગયા છે. વિકટ પરિસ્થિતિને કારણે ચિલીના રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ચિલીના મધ્યક્ષેત્રના જંગલમાં બે દિવસ પહેલા લાગેલી ભીષણ આગને કારણે રવિવારે ફાયર વિભાગના કર્મચારીઓને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. આગથી ગંભીર રીતે પ્રભાવિત ઘણા શહેરોમાં વહીવટીતંત્રે કર્ફ્યુ લાદી દીધો છે.અહેવાલો અનુસાર, મધ્ય ચિલીમાં ભડકતી જંગલી આગથી મૃત્યુઆંક રવિવારે ઓછામાં ઓછા 99 લોકો સુધી પહોંચ્યો હતો.
પ્રમુખ ગેબ્રિયલ બોરિકે ચેતવણી આપી હતી કે આ સંખ્યામાં "નોંધપાત્ર" વધારો થશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે આગથી મૃત્યુઆંક વધુ વધવાની ધારણા છે, કારણ કે વાલપારાઈસો ક્ષેત્રમાં ચાર સ્થળોએ મોટા પ્રમાણમાં આગ ફાટી નીકળી હતી અને અગ્નિશામકો આ જોખમવાળા વિસ્તારોમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. બોરીકે ચિલીના લોકોને બચાવ કાર્યકરોને સહકાર આપવા અપીલ કરી હતી.
તેમણે વધું જણાવ્યું હતું કે જો તમને વિસ્તાર ખાલી કરવાનું કહેવામાં આવે તો આમ કરવામાં અચકાવું નહીં. આગ ઝડપથી ફેલાઈ રહી છે અને આબોહવાની પરિસ્થિતિઓને કારણે તેને કાબૂમાં લેવું મુશ્કેલ બની ગયું છે. તાપમાન વધી રહ્યું છે અને પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે અને ભેજ ઓછો છે. આગ સૌથી વધુ તીવ્રતાથી વિના ડેલ માર શહેરની આસપાસ સળગી રહી છે, જ્યાં 1931માં સ્થાપિત એક પ્રખ્યાત બોટનિકલ ગાર્ડન રવિવારે આગની જ્વાળાઓમાં નાશ થઈ ગયો હતો. આગના કારણે ઓછામાં ઓછા 1,600 લોકો બેઘર બની ગયા છે.
આ સપ્તાહના અંતમાં ચિલીમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તાપમાન વધતાં આગ વધવા લાગી.