બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર મુદ્દે સરકાર કેમ ચૂપ?
શેખ હસીનાને હટાવવા માટે સળગાવાયેલી આગમાં બાંગ્લાદેશ લપેટાઈ ગયું છે. હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે બાંગ્લાદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય ત્યારે હિંદુઓ સોફ્ટ ટાર્ગેટ હોય છે અને આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. આ હિંસામાં 100થી વધુ હિંદુઓની હત્યા કરી દેવાઈ હોવાનું કહેવાય છે. રંગપુર સીટી કોર્પોરેશનના કાઉન્સિલર હર્ષવર્ધન રોય તેમજ કાજલ રોય એમ બે હિંદુ કાઉન્સિલરોની પણ હત્યા કરાઈ છે. કટ્ટરવાદી મુસ્લિમોનાં ટોળાં શોધી શોધી હિંદુઓને નિશાન બનાવી રહ્યાં છે. હિંદુઓનાં ઘરોને આગ લગાડવામાં આવી રહી છે અને દુકાનો લૂંટાઈ રહી છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાએ સમગ્ર દુનિયાના હિંદુઓને હચમચાવી દીધા છે ત્યારે આપણા દેશની કહેવાતી હિંદુવાદી સરકાર શું કરી રહી છે એ પણ જાણી લઈએ. બાંગ્લાદેશના હિંદુઓ પર હુમલાના મુદ્દે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિલકુલ ચૂપ છે, ગૃહ મંત્રી અમિત શાહ પણ ચૂપ છે અને ભાજપના બહુમતી નેતા પણ ચૂપ છે. આ ચૂપકીદી વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે લોકસભામાં બાંગ્લાદેશની સ્થિતિ વિશે નિવેદન આપ્યું. આ નિવેદનમાં ક્યાંય બાંગ્લાદેશના હિંદુઓની હત્યાઓ રોકવા કહેવાતી હિંદુવાદી સરકાર શું કરી રહી છે તેનો ઉલ્લેખ નથી.હિંદુઓની સુરક્ષા માટે ભારત સરકાર બાંગ્લાદેશ પર દબાણ લાવશે કે બીજું કંઈ કરશે તેનો કોઈ ઉલ્લેખ નથી. બાંગ્લાદેશથી ભાગી રહેલા હિંદુઓને ભારતમાં આશ્રય અપાશે કે નહીં તેની પણ કોઈ વાત નથી.
બાંગ્લાદેશ સહિતના ભારતના પાડોશી દેશોના હિંદુઓને ભારતમાં નાગરિકતા આપવા માટે સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) બનાવાયો ત્યારે ભાજપના નેતા ફૂંફાડા મારતા હતા કે, ભારતના પાડોશી દેશોમાં હિંદુઓ પર અત્યાચાર થાય ને ભારતની સરકાર ચૂપચાપ તમાશો જોયા કરે એ શક્ય નથી. હવે બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા ને મંત્રીઓ બધા બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી ગયા છે. હિંદુઓને બચાવવા માટે કશું કરવાની વાત તો છોડો પણ તેમના માટે સહાનુભૂતિના બે શબ્દો બોલવાની પણ તેમની તૈયારી નથી. હિંદુઓ પરના અત્યાચાર સામે ચૂપ નહીં રહીએ એવું કહેનારાંના મોંમાંથી હવા પણ નીકળતી નથી.બાંગ્લાદેશની ઘટનાએ આ કહેવાતી હિંદુવાદી સરકારનો અસલી ચહેરો ફરી લોકો સામે છતો કર્યો છે. ભાજપને હિંદુત્વના નામે લોકોને ભરમાવીને મત માગવા સિવાય કશામાં રસ નથી તેનો આ વધુ એક પુરાવો છે. હિંદુઓએ આ વાત સમજવાની જરૂૂર છે. જે લોકો બીજા દેશમાંથી ભાગીને અહીં આવી ગયા તેમને નાગરિકતાનું કાગળિયું પકડાવી દેવાથી હિંદુત્વના ઠેકેદાર ના બનાય, હિંદુઓની રક્ષા પણ કરવી પડે ને તેના માટે જરૂૂર પડે તો હથિયાર પણ ઉઠાવવાં પડે.