લોટરી નહીં લાયકાત-પગારના આધારે H-1B વિઝાની ફાળવણી: દરખાસ્તને વ્હાઇટ હાઉસની મંજૂરી
વ્હાઇટ હાઉસના માહિતી અને નિયમનકારી બાબતોના કાર્યાલયે એક પ્રસ્તાવિત નિયમને મંજૂરી આપી છે જે વિશેષ વ્યવસાય કામદારોને H-1Bવિઝા ફાળવવાની રીત બદલી શકે છે. આ પગલું સૂચવે છે કે આ નિયમ ટૂંક સમયમાં જાહેરમાં પ્રકાશિત થઈ શકે છે.
યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ હજુ સુધી નવા નિયમન વિશે વિગતો શેર કરી નથી. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા વર્તમાન રેન્ડમ લોટરી સિસ્ટમનો ઉપયોગ કરવાને બદલે લાયકાત અને વેતનના આધારે H-1Bવિઝા અરજદારોને પસંદ કરવાની યોજનાને પુનજીર્વિત કરવાની અપેક્ષા છે. આ નવી લિસ્ટમાં ઉચ્ચ કૌશલ્ય અને ઉચ્ચ પગાર ધરાવતા અરજદારોને પ્રાથમિકતા મળશે.
હાલમાં, ટેક ઉદ્યોગ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા H-1Bપ્રોગ્રામમાં વાર્ષિક 85,000 વિઝાની મર્યાદા છે. દર વસંતમાં, રેન્ડમ લોટરી નક્કી કરે છે કે કયા નોકરીદાતાઓ વિઝા અરજીઓ સાથે આગળ વધી શકે છે. 2021 માં, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ ચાર સ્તરોમાં વિભાજિત વેતન સ્તરના આધારે H-1Bસ્લોટ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ભારતીય વ્યાવસાયિકો હંમેશા H-1Bવિઝાના સૌથી મોટા લાભાર્થી રહ્યા છે. સપ્ટેમ્બર 2023 માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, જાહેર કરાયેલા 68,825 પ્રારંભિક રોજગાર વિઝામાંથી 58% ભારતીયોને ફાળવવામાં આવ્યા હતા. તે જ સમયે, કુલ 2.10 લાખ વિઝામાંથી 79% વિઝા એક્સટેન્શન સહિત ભારતીયોને આપવામાં આવ્યા હતા. તેની તુલનામાં, ચીનને અનુક્રમે 16,094 અને 29,250 વિઝા મળ્યા. આમ, વિઝા સિસ્ટમમાં આ પ્રસ્તાવિત ફેરફારની ભારતીય વ્યાવસાયિકો પર ભારે અસર પડશે.
નવી સિસ્ટમમાં વધુ પગાર અને વધુ અનુભવ ધરાવતા અરજદારોને પ્રાથમિકતા આપવામાં આવી હોવાથી, ભારતીય ફ્રેશર્સ અને નાની કંપનીઓ માટે યુએસમાં તકો મર્યાદિત થઈ શકે છે. હવે તેઓ યુએસમાં કામ કરવા માટે વધુ સ્પર્ધાનો સામનો કરી શકે છે.