'યુદ્ધ હોય કે કોરોના… ભારત માટે માનવતા પહેલા', પોલેન્ડમાં બોલ્યા PM મોદી
પોલેન્ડમાં ભારતીય મૂળના લોકોને ર્ક્યુ સંબોધન, જામ સાહેબના સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, આજે રાતથી યુક્રેનના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોલેન્ડની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાના સ્મારક પર પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પછી પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા એક અઠવાડિયાથી તમે લોકો જ ભારતીય મીડિયામાં છવાયેલા છો. 45 વર્ષ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ પીએમ પોલેન્ડ આવ્યા હોય. મારા નસીબમાં કેટલાંક સારાં કામ લખેલાં છે.
પીએમ મોદીએ કહ્યું કે તેમના પહેલાં આટલા લાંબા સમય સુધી કોઈ ભારતીય પીએમ અહીં આવ્યા નથી. અગાઉની સરકારોની નીતિ અંતર જાળવવાની હતી. અમારી નીતિ એ છે કે આપણે તમામ દેશો સાથે નિકટતા જાળવી રાખવાની છે.
પીએમએ જામનગરના જામ સાહેબનો પણ ઉલ્લેખ કર્યો. પીએમે કહ્યું કે થોડા દિવસ પહેલાં હું હાલના જામ સાહેબને મળવા ગયો હતો. પોલેન્ડની તસવીર હજુ પણ તેમના રૂમમાં છે. પોલેન્ડમાં બધા આપણા જામ સાહેબને સારા મહારાજા તરીકે ઓળખે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે પોલેન્ડ મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું ત્યારે જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના લોકોની મદદ કરી હતી.
વડાપ્રધાન મોદી ગુરુવારે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કને મળશે. આ દરમિયાન બંને વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થશે. આ પછી પીએમ મોદી રાષ્ટ્રપતિ એન્ડ્રેજ સેબેસ્ટિયન ડુડાને મળશે. આવતા વર્ષે પોલેન્ડ યુરોપિયન યુનિયન કાઉન્સિલના પ્રમુખ બનવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પોલેન્ડ સાથે સારા સંબંધો ભારત માટે રાજકીય દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે.
સંબોધન પહેલાં પીએમ મોદીએ વોર્સોના નવાનગરમાં જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી મોન્ટે કેસિનો મેમોરિયલ અને કોલ્હાપુર ફેમિલી મેમોરિયલ ખાતે પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મોન્ટે કેસિનો સ્મારક બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1944માં મોન્ટે કેસિનોના યુદ્ધમાં આઇઆઇ પોલિશ કોર્પ્સના સૈનિકોની જીતની યાદમાં બનાવવામાં આવ્યું હતું. આઇઆઇ કોર્પ્સે નાઝી જર્મન દળો સામે વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં 900થી વધુ પોલિશ સૈનિકો માર્યા ગયા હતા.
વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવેલ કે, ભારત ભગવાન બુદ્ધના વારસાની ભૂમિ છે. તેથી ભારત શાંતિનું હિમાયતી છે. ભારત માને છે કે આ યુદ્ધનો યુગ નથી. ભારત યુદ્ધના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિમાં માને છે., આજનું ભારત સૌના વિકાસની વાત કરે છે. આજનું ભારત દરેકની સાથે છે અને દરેકના હિત વિશે વિચારે છે., કોવિડ દરમિયાન, ભારતે વિશ્વના 150 દેશોમાં દવાઓ મોકલી, વિશ્વમાં ગમે ત્યાં આપત્તિ આવે, ભારતનો એક જ મંત્ર છે - માનવતા પ્રથમ. વિશ્વમાં જ્યાં પણ યુદ્ધ છે, ભારતનો એક જ મંત્ર છે - માનવતા પ્રથમ., અમે સમગ્ર વિશ્વને એક પરિવાર માન્યું છે અને આજના ભારતની નીતિઓ અને નિર્ણયોમાં તે પ્રતિબિંબિત થાય છે., માત્ર ભારત જ છે જે વિકસિત રાષ્ટ્ર અને નેટ ઝીરો રાષ્ટ્ર બંનેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે., નાસ્કોમનો અંદાજ છે કે ભારત તેના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે આ દાયકાના અંત સુધીમાં ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે., ભારત જામ સાહેબ યુવા વિનિમય કાર્યક્રમ શરૂૂ કરવા જઈ રહ્યું છે. આ અંતર્ગત ભારત દર વર્ષે 20 પોલિશ યુવાનોને ભારત આવવા માટે આમંત્રિત કરશે.