ભારત હોય કે બ્રિટન, દેશ છોડી જવાની અમીરોની વાત વિચિત્ર તો ખરી!
દેશના 22 ટકા ધનપતિઓ દેશ છોડવા માંગે છે. એવું હમણાં કોટક બેંકના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે. આ સર્વેમાં દેશના 150 અતિ ધનિક લોકોને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આમાંથી એક પ્રશ્ન ભારતમાં કે વિદેશમાં રહેવા વિશે પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં 22 ટકા અતિ ધનિકોએ કહ્યું કે તેઓ ભારતની બહાર રહેવા માંગે છે. સર્વેમાં સમાવિષ્ટ મોટાભાગના ધનિક લોકોએ જણાવ્યું હતું કે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા તેમના રહેવા માટે સૌથી પ્રિય સ્થળો છે. આ ઉપરાંત, મોટાભાગના ધનિક લોકોએ દુબઈ જેવા શહેરોમાં સ્થાયી થવાની યોજનાને પણ પસંદ કરી છે, તેમણે સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) ની ગોલ્ડન વિઝા યોજનાને ઉત્તમ ગણાવી છે. આ એ ભારતીયો છે જેમણે ભારતમાં વ્યવસાય કરીને અપાર સંપત્તિ કમાઈ છે. તેઓ ભવિષ્યમાં પણ ભારતમાં વ્યવસાય ચાલુ રાખવા માંગે છે.
પણ હવે તેમને રહેવા માટે ભારત પસંદ નથી. તેમને ખાસ કરીને ભારતમાં રહેવાની પરિસ્થિતિ વિશે ફરિયાદો છે. તેમનું કહેવું છે કે ભારતમાં જીવનધોરણ સારું નથી. આ ઉપરાંત, કેટલાક લોકો કહે છે કે ભારતમાં વ્યવસાયિક વાતાવરણ પણ સરળ નથી. સર્વેના તારણો જણાવે છે કે સર્વે કરાયેલા 150 સુપર રિચ લોકોમાંથી, દર પાંચમાંથી એક વ્યક્તિ ખરેખર ભારતની બહાર સ્થાયી થવાની પ્રક્રિયામાં છે અથવા સ્થળાંતર કરવાની યોજના બનાવી રહ્યો છે. જોકે, તેમાંના મોટાભાગના લોકો તેમની ભારતીય નાગરિકતા જાળવી રાખીને તેમની પસંદગીના યજમાન દેશમાં કાયમી ધોરણે રહેવા માંગે છે. ભારતના અમીરો જ દેશ છોડવા માગે છે એવું નથી. બ્રિટનના અબજપતિઓના મનમાં પણ ઉંચા કરબોજના કારણે આવો વિચાર રમે છે. ભારતીય મુળના મિતલ પણ વિદેશમાં સ્થળાંતરનો વિચાર કરી રહ્યા છે. ભારતમાંથી કે બ્રિટનમાંથી કોઇ વ્યકિત દેશ છોડી જાય તેથી જે તે દેશને ફરક પડતો નથી. ઉલ્ટાનું તેઓ જે દેશમાં કમાયા એ હવે તેમને ગમતો નથી. આ બાબતને ધ્યાનમાં લઇ તેમનમાં દેશદાઝની ખામી શોધવી, દેશદ્રોહ કહેવો કે પછી બીજું કાંઇ, આવી સ્થિતિ સારી નથી. ભારત અને બીજા કોઇપણ દેશે કરવેરાના માળખાની મુશ્ેલીઓ અને સુશાસન બાબતે વ્યુહાત્મક પગલા લેવા જોઇએ એ આ વાતનો નિષ્કર્ષ છે.