ક્યા બાત હૈ, સોનું ઝાડ પર ઉગી શકે છે, ફિનલેન્ડના સાયન્ટિસ્ટોનો દાવો
એક તરફ સોનાના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે ફિનલેન્ડના સાયન્ટિસ્ટોએ કંઈક અજીબોગરીબ દાવો કર્યો છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે સોનાની ધાતુ ખાણમાંથી જ મળે છે, પરંતુ યુનિવર્સિટી ઑફ ઓઉલુ અને જિયોલોજિકલ સર્વે ઑફ ફિનલેન્ડના સંશોધકોનું કહેવું છે કે નોર્વેના સ્પ્રૂસ ટ્રીની સોય જેવી પત્તીઓમાં ગોલ્ડના નેનોપાર્ટિકલ્સ જોવા મળ્યા છે.
સૌથી અચરજ પમાડે એવી વાત એ છે કે આ સોનું કોઈ મશીન કે કેમિકલમાંથી નહીં પણ ઝાડની અંદર મોજૂદ માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મ જીવોની મદદથી બની રહ્યું છે. મતલબ કે કુદરત પાસે પોતાની ગોલ્ડમેકિંગ ફેક્ટરી છે, બસ આપણી નજર છેક હવે એની પર પહોંચી છે.
સ્પૂસ ટ્રીમાં અનેક માઇક્રોબ્સ રહે છે જે કેમિકલ રીઍક્શનથી પ્રભાવિત થાય છે. જે પાન પર ખાસ બેક્ટેરિયા કોરિનેબેક્ટેરિયમ અને ક્યુટિબેક્ટેરિમ હોય એમાં જ ગોલ્ડ નેનોપાર્ટિકલ્સની હાજરી જોવા મળી છે. આ સૂક્ષ્મ જીવો વૃક્ષના પાનની ઉપર એક ચીકણી પરત જેવું બનાવે છે જે એક મિની લેબોરેટરી જેવું કામ કરે છે. એ કેટલાક સમય પછી ધૂળમાં ભળી ગયેલા સોલિડ ગોલ્ડ પાર્ટિકલ્સમાં બદલાય છે અને પાન પર જામી જાય છે. તમામ સ્પ્રૂસ ટ્રીમાં ગોલ્ડ નથી ઊગતું. વૃક્ષ કઈ જગ્યાએ ઊગ્યું છે, એને ક્યાંનું પાણી મળે છે, એમાં સૂક્ષ્મ જીવોનું કેવું કોમ્બિનેશન છે અને સ્થાનિક આબોહવા કેવી છે એ બધી ચીજોના આધારે સોનું તૈયાર થશે કે નહીં એ નક્કી થાય છે.
