'અમે હાર માનીશું નહીં..' કેનેડામાં કાફે પર હુમલા બાદ કપિલ શર્માએ આપી પ્રતિક્રિયા
સ્ટેન્ડઅપ કોમેડિયન કપિલ શર્માએ તેમની પત્ની ગિન્ની ચતરથ સાથે કેનેડામાં 'કેપ્સ કાફે' ખોલ્યું હતું. પરંતુ ગુરુવારે કોમેડિયનના કાફેમાં ગોળીબાર થયો. આ સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ ફાયરીંગની જવાબદારી લીધી છે. મળતી માહિતી મુજબ, ગોળીબારમાં કોઈ જાનહાનિ થઈ નથી. હવે આ સમગ્ર ઘટના પર કપિલની ટીમની પ્રતિક્રિયા સામે આવી છે.

કેપ્સ કાફેએ ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું છે - અમે અમારા સમુદાય વચ્ચે આ કાફે ખોલ્યો છે, આશા છે કે તેઓ ખુશીથી કોફી પીને ગપસપ કરી શકશે. અમારા આ સ્વપ્ન પર હિંસાનો હુમલો હૃદયદ્રાવક છે. અમે આ આઘાતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ અમે હાર માની નથી. તમારા બધાના સમર્થન અને પ્રાર્થના બદલ આભાર. આ કાફે તમારા વિશ્વાસને કારણે અસ્તિત્વમાં છે. ચાલો સાથે મળી હિંસાનો વિરોધ કરીએ. ખાતરી કરીએ કે કેપ્સ કાફે એક એવી જગ્યા બને જ્યાં શાંતિ અને સમુદાય હોય. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેપ્સ કાફે ટૂંક સમયમાં પાછું આવશે.
ફાયરિંગ કેસમાં કેનેડાની પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. જે મુજબ, ૧૦ જુલાઈના રોજ, સવારે ૧.૫૦ વાગ્યાની આસપાસ, સરે પોલીસને ૧૨૦ સ્ટ્રીટના ૮૪૦૦ બ્લોકમાં આવેલા એક કાફેમાં ગોળીબાર થયાની માહિતી મળી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે કાફે તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં મિલકતને નુકસાન થયું હતું. તે સમયે સ્ટાફના સભ્યો અંદર હાજર હતા, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. પોલીસે પુરાવા એકત્રિત કર્યા અને નજીકના લોકો પાસેથી માહિતી અને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો.
સરે પોલીસ સર્વિસની ફ્રન્ટલાઈન ઇન્વેસ્ટિગેટિવ સપોર્ટ (FLIS) ટીમે તપાસ સંભાળી લીધી છે. તપાસ ચાલુ છે અને અન્ય ઘટનાઓ સાથે કોઈ હેતુ કે જોડાણ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ વિશે માહિતી ઉપલબ્ધ નથી. પોલીસે ડેલ્ટા પોલીસ વિભાગના અધિકારીઓનો પણ તેમના સહયોગ બદલ આભાર માન્યો છે.
હાસ્ય કલાકાર કપિલ શર્માએ કેનેડામાં પોતાનું કાફે ખોલીને ચાહકોને એક સુંદર ભેટ આપી હતી. ૭ જુલાઈના રોજ કેપ્સ કાફેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ચાહકો કપિલના કાફેમાં તેમના નજીકના લોકો સાથે કોફીનો આનંદ માણી રહ્યા હતા. પરંતુ પછી જે બન્યું તે કોઈએ અપેક્ષા રાખી ન હતી.
૧૦ જુલાઈના રોજ કપિલના કાફેમાં અચાનક ગોળીબાર થયો હતો. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં હુમલાખોર કારમાંથી પિસ્તોલ કાઢીને કાફે પર ગોળીબાર કરી રહ્યો છે. આ પછી હુમલાખોરો ભાગી ગયા. ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ હુમલાની જવાબદારી લીધી છે. કપિલનો કાફે લગભગ ૨ વર્ષની મહેનત પછી બનાવવામાં આવ્યો હતો. કપિલની ટીમે પાછા ફરવાનું વચન આપ્યું હોવાથી ચાહકોને રાહત થઈ છે.