અમેરિકાના દુશ્મનોને ગમે ત્યાંથી શોધી કાઢીશું: કાશ પટેલ
એફબીઆઇના ડિરેકટર તરીકે મંજૂરી મળ્યા પછી ગુજરાતી મૂળના વડાની ગર્જના
યુએસ સેનેટે FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલના નામાંકનને મંજૂરી આપી છે. સી-સ્પેન મુજબ, પટેલે 51-47 મતથી મંજૂરી મેળવી. ડેમોક્રેટ્સે ચેતવણી આપી હતી કે રિપબ્લિકન સમર્થક કશ્યપ પટેલ, રાષ્ટ્રપતિના રાજકીય વિરોધીઓને નિશાન બનાવવા માટે FBIનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેમના વિરોધ છતાં આ મંજૂરી મળી.
કશ્યપ પ્રમોદ વિનોદ પટેલ, જેને સામાન્ય રીતે કાશ પટેલ તરીકે ઓળખવામાં આવે છે, તેમનો જન્મ 25 ફેબ્રુઆરી, 1980 ના રોજ ગાર્ડન સિટી, ન્યુ યોર્કમાં ભારતીય ગુજરાતી ઇમિગ્રન્ટ માતાપિતાને ત્યાં થયો હતો. તેમનો ઉછેર એક હિન્દુ પરિવારમાં થયો હતો, અને તેમના પરિવારનો ઇમિગ્રેશન ઇતિહાસ તેમના જીવનમાં મહત્વપૂર્ણ રહ્યો હતો, કારણ કે તેમના માતાપિતા પૂર્વ આફ્રિકામાં વંશીય અત્યાચારથી ભાગીને યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થળાંતરિત થયા હતા. નિમણુંક બાદ તેમણે પ્રમુખ ટ્રમ્પનો આભાર માની એજન્સીને પારદર્શક, જવાબદાર અને ન્યાય પ્રત્યે પ્રતિબધ્ધ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તેમણે જણાવ્યું હતું કે અમે એફબીઆઇનું એવી રીતે પુન:ગઠન કરીશું જેથી લોકો ગર્વ અનુભવે તેમણે અમેરિકાને નુકસાન પહોંચાડવા માગતા લોકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે અમે તમને આ ગ્રહના દરેક ખુણેથી શોધી કાઢીશું.