હુમલામાં અમારો હાથ નથી, ભારતના કડક વલણથી તૈયબાનો ડે.ચીફ ફફડ્યો
લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસુરી એ તાજેતરમાં એક વીડિયો જાહેર કરીને ભારતની નીતિઓ અને વલણની સખત ટીકા કરી છે. વીડિયોમાં તેનો ડર પણ સ્પષ્ટપણે દેખાઇ રહ્યો છે. આ વીડિયોમાં તેની આંખોમાં આંસુ હતા, અને તેણે ભાવુક અપીલ કરી કે કોઈ તાકાત પાકિસ્તાનની શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. તેણે ભારત પર આક્ષેપ કર્યો કે તે પાકિસ્તાનની સ્થિરતાને નબળી પાડવા માટે ષડયંત્ર રચી રહ્યું છે.
સૈફુલ્લાહે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં લશ્કર-એ-તૈયબાની કોઈપણ ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ હુમલામાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેની તેણે નિંદા કરી. તેણે દાવો કર્યો કે આ હુમલો ભારતનું જ ષડયંત્ર છે અને તેનો પાકિસ્તાન સાથે કોઈ સંબંધ નથી. તેણે ભારતીય મીડિયા પર 24 કલાકથી ચાલી રહેલા આરોપોની પણ ટીકા કરી, જેમાં આ હુમલા માટે આતંકવાદી સંગઠનોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે.
સૈફુલ્લાહે ભારતના તાજેતરના નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને ભારતમાંથી પાકિસ્તાની નાગરિકોને હાંકી કાઢવાનો સમાવેશ થાય છે. તેણે આ પગલાંને ભારતની યુદ્ધપ્રિય નીતિનો ભાગ ગણાવ્યો અને દાવો કર્યો કે આ પગલાં પાકિસ્તાનની આર્થિક અને સામાજિક સ્થિરતાને નુકસાન પહોંચાડવા માટે લેવામાં આવ્યા છે.
વીડિયોમાં સૈફુલ્લાહે ભારત સરકાર પર આરોપ લગાવ્યો કે તેણે કાશ્મીરમાં 10 લાખ સૈનિકો તૈનાત કરીને યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરી છે. તેણે કહ્યું કે, ભારતનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો અને પાકિસ્તાનને બદનામ કરવાનો છે. તેણે આ મુદ્દે વૈશ્વિક સમુદાયને સચેત રહેવા અને ભારતની આક્રમક નીતિઓનો વિરોધ કરવા વિનંતી કરી.
સૈફુલ્લાહે વિશ્વના દેશોને ચેતવણી આપી કે તેઓ ભારતને આંધળું સમર્થન આપવાનું ટાળે અને સત્યની તરફેણ કરે. તેણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની નીતિઓ માત્ર પાકિસ્તાન માટે જ નહીં, પરંતુ આખા દક્ષિણ એશિયાઈ ક્ષેત્રની શાંતિ અને સ્થિરતા માટે જોખમી છે. તેણે વૈશ્વિક સંસ્થાઓને આ મુદ્દે હસ્તક્ષેપ કરવા અને ભારતની જવાબદારી નક્કી કરવા હાકલ કરી.