અમે યુદ્ધ નથી ઈચ્છતા, ભારતે લાલ આંખ કરતા ટ્રુડોના સૂર બદલાયા
કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સન્માન કરે છે, અમે તણાવ પેદા કરવા માટે આ વિકલ્પ પસંદ કર્યો નથી: ટ્રુડો
કેનેડા સાથેના તણાવ વચ્ચે ભારતે તેના હાઈ કમિશન અને અન્ય રાજદ્વારીઓને ત્યાંથી પાછા બોલાવ્યા છે, જ્યારે ભારતે દિલ્હીમાં 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. હવે ભારતના આ કડક વલણ પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું નિવેદન બહાર આવ્યું છે.
જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરે છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત સરકાર કેનેડા માટે આવું જ કરે. કેનેડાના નાગરિકોની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે.
જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, હું સમજું છું કે તમારામાંથી ઘણા ગુસ્સે, નારાજ અને ગભરાયેલા છે. એવું ન થવું જોઈએ. કેનેડા-ભારતનો લાંબો ઈતિહાસ લોકો વચ્ચેના સંબંધો, વેપાર સાથે જોડાયેલો છે પરંતુ આપણે હવે જે જોઈ રહ્યા છીએ તે આપણે સહન કરી શકતા નથી. ગયા સપ્તાહના અંતે જ્યારે મેં પીએમ મોદી સાથે વાત કરી ત્યારે મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સપ્તાહના અંતે સિંગાપોરમાં અમારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો વચ્ચે અવિશ્વસનીય રીતે મહત્ત્વપૂર્ણ બેઠક થવાની છે. તેઓ આ મીટિંગ વિશે જાણતા હતા અને હું પણ. તેમના પર દબાણ કર્યું કે, મીટિંગને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂૂર છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે, કેનેડા-ભારતના સંબંધોમાં તણાવ પેદા કરવા માટે કેનેડાએ આ વિકલ્પ પસંદ કર્યો નથી. ભારત એક મહત્ત્વપૂર્ણ લોકશાહી છે. ભારત અને કેનેડા વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. આપણે સાથે રહેવાનું છે. અમારે લડાઈ જોઈતી નથી. તેથી દરેક પગલા પર અમે જે કંઈપણ જાણીએ છીએ તેની માહિતી ભારતને આપી છે.
ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, કેનેડા કાયદાના શાસન પર આધારિત દેશ છે અને આપણા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. ટ્રુડોએ ફરી એકવાર આરોપ લગાવ્યો કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા. તેમણે કહ્યું કે, આ સંદર્ભે અમે ભારત સરકાર સાથે અમારી ચિંતાઓ શેર કરી છે અને તેમને આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર અમારી સાથે કામ કરવાની અપીલ કરી છે. કેનેડાના પીએમે આરોપ લગાવ્યો કે, આ હોવા છતાં તેમની તપાસ એજન્સીઓ દ્વારા સહકાર આપવામાં આવ્યો નથી.
અગાઉ કેનેડાએ આતંકવાદી નિજ્જરની હત્યાના મામલામાં ભારત અને ભારતીય હાઈ કમિશનરને ઘસડવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતે કડક જવાબ આપ્યો છે.અગાઉ, દિવસ દરમિયાન આકરી પ્રતિક્રિયા આપ્યા બાદ અને ટ્રુડો સરકારને ઠપકો આપ્યા બાદ, ભારતે સાંજે નવી દિલ્હીમાં કેનેડિયન હાઈ કમિશનરને બોલાવ્યા અને કેનેડામાંથી તેના રાજદ્વારીઓને પાછા ખેંચવાની જાહેરાત કરી.
થોડા સમય બાદ ભારત સરકારે વધુ મોટું પગલું ભર્યું અને છ કેનેડિયન રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢવાનો આદેશ આપ્યો અને તેમને 19 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવા કહ્યું. આ બધાથી હતાશ થઈને, કેનેડાએ ફરીથી તેના ખોટા આરોપો લગાવવાનું શરૂૂ કર્યું અને આ વખતે એક ડગલું આગળ વધીને લોરેન્સ ગેંગને સરકાર સાથે જોડવાનો પ્રયાસ કર્યો.
દરમિયાન, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ કમિશનર માઈક ડુહેમે કહ્યું, કેનેડામાં હિંસક, ઉગ્રવાદી ખતરો છે, જેના પર કેનેડા અને ભારત છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. જો કે, આ ખતરા કેનેડા અને ભારતની સહકાર કરવાની ક્ષમતાને અસર કરી રહી છે. આ સપ્તાહની શરૂૂઆતમાં, આરસીએમપી ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ભારતીય કાયદા-અનફોર્સમેન્ટ સમકક્ષો સાથે કેનેડા અને ભારતમાં બનેલી હિંસક, ઉગ્રવાદી ઘટનાઓની ચર્ચા કરવા અને કેનેડામાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારતીય સરકારી એજન્ટોની સંડોવણી સંબંધિત પુરાવા રજૂ કરવા માટે પ્રયત્ન કર્યો. કમનસીબે, આ પ્રયાસો અસફળ રહ્યા.
તેમણે કહ્યું, તેથી, ડેપ્યુટી કમિશનર રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર અને વિદેશ બાબતોના નાયબ મંત્રી સાથે ભારત સરકારના અધિકારીઓને મળ્યા. અમારા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ અને અન્ય તપાસના પ્રયાસો દ્વારા, આરસીએમપીએ પુરાવા પ્રાપ્ત કર્યા છે જે ચાર અત્યંત ગંભીર મુદ્દાઓ દર્શાવે છે.
અહીં, ભારત સતત આ આરોપોને નકારી રહ્યું છે અને સોમવારે ફરીથી તેના રાજદ્વારી વિરુદ્ધના આરોપોને મનઘડત ગણાવ્યા. ભારત સરકારે આ અંગે પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી. ભારતે હાઈ કમિશનર સંજય કુમાર વર્મા સામેના આરોપોને વાહિયાત ગણાવીને સખત રીતે નકારી કાઢ્યા હતા. તેમને ટ્રુડો સરકારના રાજકીય એજન્ડાનો ભાગ ગણાવતા તેમણે કહ્યું કે તે વોટ બેંકની રાજનીતિ પર કેન્દ્રિત છે.
લોરેન્સ ગેંગને ભારત સરકારના એજન્ટો સાથે જોડવાનો પ્રયાસ
આતંકવાદી નિજ્જરની હત્યાના કેસમાં ખોટા આરોપો લગાવીને પોતાને બદનામ કરનાર કેનેડા હવે હાસ્યાસ્પદ દાવાઓ પર ઉતરી આવ્યું છે. સોમવારે, કેનેડિયન પોલીસે તેમના બનાવટી આરોપોને યોગ્ય ઠેરવવા માટે લોરેન્સ ગેંગને ભારત સરકારના એજન્ટો સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર બ્રિગિટ ગૌવિને જણાવ્યું હતું કે, તે (ભારત) દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે, પરંતુ તેઓ ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્વોને નિશાન બનાવી રહ્યા છે. અમે જોયું છે કે તેઓ સંગઠિત અપરાધ તત્વોનો ઉપયોગ કરે છે. તે એક સંગઠિત અપરાધ જૂથ - લોરેન્સ બિશ્નોઈ દ્વારા જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે અને તેનો દાવો કરાયો છે. અમે માનીએ છીએ કે આ જૂથ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલું છે.