પહેલગામથી દિલ્હી સુધી ભારતમાં આતંકી હુમલા અમે જ કરાવ્યા: પાક. નેતાની ખુલ્લેઆમ કબૂલાત
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના પ્રમુખ અને વરિષ્ઠ નેતા ચૌધરી અનવરુલ હકે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં પાકિસ્તાન સમર્થિત સંગઠનોની ભૂમિકાનો ખુલ્લેઆમ સ્વીકાર કરીને એક મોટું રાજકીય તોફાન જગાવ્યું છે. તેણે કહ્યું કે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી લઈને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા સુધી, ભારતને નિશાન બનાવવું એ પાકિસ્તાન દ્વારા બદલો લેવાનું કૃત્ય હતું.
વાયરલ થયેલા વિડિયોમાં હકે દાવો કર્યો હતો કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી મોડ્યુલે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે કાર બોમ્બ વિસ્ફોટ કર્યો હતો, જેમાં 14 લોકો માર્યા ગયા હતા. હુમલાનો માસ્ટરમાઇન્ડ ઓમર ઉન નબી, જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વ્હાઇટ-કોલર નેટવર્કનો ભાગ હોવાનું કહેવાય છે અને તેને ફરીદાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી.હકે એપ્રિલમાં પહેલગામની બૈસરન વેલીમાં થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. તેણે કહ્યું કે પાકિસ્તાન બલુચિસ્તાનમાં ભારતના કથિત દખલગીરીના બદલામાં ભારતીય શહેરો પર હુમલાઓ કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે જો બલુચિસ્તાનમાં લોહી વહેશે તો આપણે લાલ કિલ્લાથી કાશ્મીરના જંગલો સુધી ભારતને નુકસાન પહોંચાડીશું. આ નિવેદનને પાકિસ્તાનના રાજકીય નેતૃત્વ દ્વારા આતંકવાદી માળખાને ખુલ્લા સમર્થન અને પ્રોત્સાહન આપવાનો બીજો મોટો પુરાવો માનવામાં આવી રહ્યો છે.