કાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારી
પાકિસ્તાન ભારત સાથે શાંતિની વાતો કરવાની સાથે કાશ્મીર મુદ્દો ઉછાળવાની સાથે ભારત વિરુદ્ધ આતંકીઓને આશરો અને તાલિમ આપે છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે અને કાશ્મીર સહિતના બધા જ મુદ્દાઓ વાટાઘાટોથી ઉકેલવાની વાત કરી છે. આવા સમયે પાકિસ્તાનના આર્મી વડા અસીમ મુનીરે કાશ્મીર મુદ્દે 10 યુદ્ધ લડવાની તૈયારી દર્શાવી છે.
આતંકવાદની નિકાસ કરવા મુદ્દે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં બદનામ થઈ ગયું છે અને સતત આર્થિક સંકડામણને પગલે કંગાળ થઈ ગયું છે ત્યારે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ સૈયદ અસીમ મુનીરે કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ આક્રમક વલણ દર્શાવતા યુદ્ધની ધમકી આપી છે. મુનીરે કહ્યું કે, પાકિસ્તાન ક્યારેય પણ કાશ્મીર મુદ્દે પીછેહઠ કરવા તૈયાર નહીં થાય. કાશ્મીર માટે પાકિસ્તાનનું સૈન્ય ભારત સાથે 10 યુદ્ધ લડવા તૈયાર છે.
ભારતની સૈન્ય શક્તિથી પાકિસ્તાન પહેલાં પણ નહોતું ડર્યું અને આગળ પણ નહીં ગભરાય.
જનરલ મુનીરે કહ્યું કે, કાશ્મીરના લોકો સાથે એકતા દર્શાવતા પાકિસ્તાન પૂરી તાકાતથી તેમની સાથે ઊભું રહેશે. પાકિસ્તાન સૈન્ય કાશ્મીર માટે પહેલાં જ ત્રણ યુદ્ધ લડી ચૂક્યું છે.
વધુ 10 યુદ્ધ લડવા પડે તો પણ પાકિસ્તાન લડશે. કાશ્મીર પાકિસ્તાનની પશાહથ નસ છે. આ એવી નસ છે જે કપાઈ જાય તો મોત થઈ જાય. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા મુનીરે કહ્યું કે, ભારતના અત્યાચાર અને વધતું હિન્દુત્વ કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના સંઘર્ષને વધુ મજબૂત કરે છે.