યુદ્ધ ભડક્યું: ભારતના કચ્છ સહિતના લશ્કરી સ્થળો પર પાક.ના હુમલા નિષ્ફળ, વળતા પ્રહારમાં પાક.ની એર ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત
લાહોર-કરાચી સહિતના મહત્ત્વના શહેરો ઉપર ભારતના ડ્રોન-મિસાઈલ ત્રાટક્યા, કાશ્મીર સરહદે પણ સતત ગોળીબાર
કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓની આતંકવાદીઓએ હત્યા કર્યા બાદ ભારતે પાક.માં ત્રાસવાદી કેમ્પોનો ખાત્મો બોલાવ્યા બાદ હવે ભારત-પાક. વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું હોય તેમ પાકિસ્તાને ભારતના 15 લશ્કરી સ્થળો ઉપર કરેલા હવાઈ હુમલાને ભારતે નિષ્ફળ બનાવી વળતો પ્રહાર કરી પાકિસ્તાનના 10 શહેરો ઉપર ડ્રોન હુમલો કરી પાકિસ્તાનની HQ-9 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ધ્વસ્ત કરી નાખી છે. જમ્મુ-કાશ્મીરમાં પણ રાતભર ભારત-પાક. વચ્ચે ગોળીબાર ચાલુ રહેતા વધુ એક ભારતીય નાગરિકનું મોત થતાં કુલ મૃત્યુઆંક 16 થયો છે.
ભારતે આજે સવારે પાક.ના અનેક સ્થળે હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમો ઉપર હુમલા કર્યા છે. ભારતે ફરી ધમકી આપી છે કે, પાક. હવે નહીં સમજે તો વધુ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂૂ કર્યા પછી, પાકિસ્તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાની સેનાના હવાઈ સંરક્ષણ એકમને સિયાલકોટ, લાહોર અને પાકિસ્તાનના અન્ય એક શહેરમાં ભારે નુકસાન થયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોન હુમલામાં પાકિસ્તાની સેનાના HQ-9 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ યુનિટ્સને ભારે નુકસાન થયું છે. લાહોર ઉપરાંત, આવા ડ્રોન હુમલા ગુજરાંવાલા, રાવલપિંડી, ચકવાલ, બહાવલપુર, મિયાંવાલી, કરાચી, ચોર, મિયાંનો અને અટોકમાં પણ થયા છે.
ભારત સરકારે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે, નસ્ત્રઆજે સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્તાનને એ જ રીતે જવાબ આપ્યો છે. લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્યો છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે 07 અને 08 મેની રાત્રે, પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અવંતિપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત અનેક લશ્કરી સ્થાપનો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલાઓને કાઉન્ટર યુએએસ ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા તટસ્થ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્યાએથી મળી રહ્યો છે, જે પાકિસ્તાની હુમલાઓને સાબિત કરે છે.
પીઆઈબીની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, આજે, 8 મેની સવારે, ભારતીય સશસ્ત્ર દળોએ અનેક સ્થળોએ પાકિસ્તાનના હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્ટમોને નિશાન બનાવ્યા. ભારતે પણ પાકિસ્તાન જેટલી જ તીવ્રતાથી જવાબ આપ્યો છે. વિશ્વસનીય રીતે જાણવા મળ્યું છે કે લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીને તટસ્થ કરવામાં આવી છે.
વધુમાં જણાવાયું છે કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર આર્ટિલરીનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પર તેના બિનઉશ્કેરણીજનક ગોળીબારની તીવ્રતા વધારી દીધી છે.
ભારત સરકારે નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત સોળ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પણ ભારતે પાકિસ્તાન તરફથી થતા મોર્ટાર અને તોપમારા રોકવા માટે જવાબ આપવો પડ્યો.પ્રેસ રિલીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ તણાવ ન વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
લાહોરનું વોલ્ટન એરપોર્ટ શ્રેણીબદ્ધ ડ્રોન એટેકથી ધણધણી ઉઠ્યું
રોઇટર્સ અને સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, લાહોરના વોલ્ટન એરપોર્ટ નજીક શ્રેણીબદ્ધ જોરદાર ડ્રોન વિસ્ફોટો સંભળાયા હતા, જેના કારણે સાયરન વાગવા લાગ્યા અને લોકો તેમના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતાં. લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતાં. ધુમાડાના ગોટા દુર દુર સુધી દેખાયા હતાં.