VIDEO : ટ્રમ્પના ભાષણ વચ્ચે ઇઝરાયલી સંસદમાં હોબાળો, ગાઝા સમર્થક બે સાંસદોઅએ વિરોધ કરતાં બહાર કાઢ્યા
હમાસે તમામ 20 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા છે. આ વચ્ચે ઈઝરાયલ-હમાસ વચ્ચે શાંતિ સ્થાપનાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલ પહોંચી ગયા છે. ત્યારે ઈઝરાયલી સંસદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણ દરમિયાન હોબાળો મચ્યો હતો. ટ્રમ્પના ભાષણ દરમિયાન ગાઝા સમર્થક બે સાંસદો ઇમાન ઓદેહ અને ઓફેર કાસિફે હંગામો મચાવ્યો અને ભારે વિરોધ કર્યો છે. સંસદમાં ભારે સૂત્રોચ્ચાર થતાં સંસદનો માહોલ ગંભીર બની ગયો હતો. ત્યારબાદ સુરક્ષા અધિકારીઓએ તેમના હાથમાંથી બેનર છીનવી લીધા હતા અને બંને સાંસદોને સંસદની બહાર કાઢવામાં આવ્યા હતા.
https://x.com/business/status/1977703913827574251
સંસદમાં હદશ-તાલ પાર્ટીના અધ્યક્ષ, ઇમાન ઓદેહે, ટ્રમ્પના ભાષણ દરમિયાન એક પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યું. તેમાં લખ્યું હતું, "પેલેસ્ટાઇનને માન્યતા આપો." તે જ પાર્ટીના સભ્ય, ઓફેર કાસિફે પણ પ્લેકાર્ડ પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ બંને સાંસદોને બળજબરીથી સંસદમાંથી બહાર કાઢયાં હતા.
વડાપ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ઈઝરાયલનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો છે. આ પુરસ્કાર આપતી વખતે નેતન્યાહૂએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને શાંતિનો નોબેલ પુરસ્કાર ચોક્કસ મળશે. જોકે, આ વર્ષે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી. નેતન્યાહૂએ કહ્યું કે, શાંતિનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને જરૂર મળશે, ભલે તેમાં સમય લાગે.
ટ્રમ્પે નેતન્યાહુની પ્રશંસા કરી
ટ્રમ્પે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની બહાદુરી અને દેશભક્તિની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે નેતન્યાહુના સમર્થનથી આજે શક્ય બન્યું. ટ્રમ્પે નેતન્યાહુને ઉભા રહેવા કહ્યું અને કહ્યું, "આ માણસ સરળ નથી, પરંતુ તે જ તેને મહાન બનાવે છે."
ટ્રમ્પે આરબ અને મુસ્લિમ દેશોનો પણ આભાર માન્યો જેમણે બંધકોને મુક્ત કરવા માટે હમાસ પર દબાણ કર્યું. તેમણે કહ્યું કે ઇઝરાયલ માટે આ એક મોટી જીત છે કે ઘણા દેશો શાંતિ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે આ સમયને તે સમય તરીકે યાદ કરવામાં આવશે જ્યારે બધું બદલાવાનું શરૂ થયું હતું. આ ઇઝરાયલ અને મધ્ય પૂર્વ માટે સુવર્ણ સમય હશે.