સિંહાસન ખાલી કરો, મહારાજ આવે છે: નેપાળમાં ગુંજતો નાદ
ઓલીના રાજીનામા બાદ હાલ સેનાએ સત્તા સંભાળી છે, પણ આગળ જતાં દેશનું શાસન કયા પ્રકારનું હશે તે વિશે અટકળો થઇ રહી છે
નેપાળમાં વ્યાપક હિંસા વચ્ચે કે.પી. શર્મા ઓલીએ પદત્યાગ કર્યા પછી સેનોએ સત્તા સંભાળી છે. આમ છતાં અરાજકતા અને અનિશ્ર્ચિતતા વચ્ચે દેશમાં હવે રાજાશાહી, લશ્કરી સરમુખત્યારશાહી કે લોકશાહી એમ કયા પ્રકારનું શાસન હશે તેની અટકળો ચાલી રહી છે. નેપાળ અગાઉ હિંદુ રાષ્ટ્ર હતું અને રાજાશાહી હતી એ ઇતિહાસ જુનો નથી. કેટલાક લોકો હજુ પણ રાજાશાહીને પસંદ કરી રહ્યા છે. 2008માં માઓવાદી આંદોલને દેશને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બનાવી દીધું પરંતુ 17 વર્ષમાં 14 સરકારો બદલાઇ ચુકી છે. કોઇપણ સરકાર સ્થિરતા આપી શકી નહીં. 81 ટકા હિંદુઓ પોતાની સાંસ્કૃતિક ઓળખ પાછી ઇચ્છે છે. સતા સંભાળ્યા પછી સેનાના વડાએ પૃથ્વીનારાયણ શાહની તસવીર સામે નિવેદન આપ્યું જેને રાજાશાહીનું સમર્થન માનવામાં આવે છે. કેટલાક લોકો બાલેન્દુ શાહને વચગાળાના પીએમ બનાવવા માગે છે. આગામી ચુંટણી 2027માં છે પણ અસ્થિરતાના કારણે જલ્દી ચુંટણી યોજાય તેવું બને. આમ છતાં જનતાની નજર પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર પર ટકેલી છે.
2008માં રાજાશાહી ગયા બાદ પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ એક સામાન્ય નાગરિક તરીકે જીવી રહ્યા છે. તેમના મુખ્ય નિવાસ કાઠમંડુ સ્થિત નિર્મલ નિવાસ છે. 2024ની શરૂૂઆતમાં હેમંતબાસ નામના એક કોટેજમાં થોડા સમય માટે રહેવા ગયા. તેમની પત્ની રાની માતા રત્ના પૂર્વ શાહી મહેલના પરિસરની અંદર મહેન્દ્ર મંજિલમાં રહે છે. રાજાશાહીની વાપસી માટે કોશિશ તો અનેકવાર થઈ જેમ કે માર્ચમાં રાજાશાહી સમર્થક પ્રદર્શનોમાં ભારે ભીડ ઉમટી, જે રાજા પાછા આવો, દેશ બચાવો...ના નારા લગાવતી હતી. મેમાં નવરાજ સુબેદીના નેતૃત્વમાં રાજાશાહી સમર્થક સમૂહોએ દેશવ્યાપી વિરોધ અભિયાન શરૂૂ કર્યું.
અધિકારીઓએ જુલાઈ સુધી નારાયણહિતી મહેલ સંગ્રહાલય સહિત પ્રમુખ વિસ્તારોની આસપાસ પ્રદર્શનો પર પ્રતિબંધ લગાવ્યા. સત્તાધારી સીપીએન-યુએમએલ પાર્ટીએ નેપાળ ગણતાંત્રિક વ્યવસ્થાની રક્ષા માટે ખાસ કરીને ગણતંત્ર દિવસ પર જવાબી વિરોધ પ્રદર્શન કર્યા. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહે આ આંદોલનને ગતિ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી. કાઠમંડુમાં તેમની ઉપસ્થિતિએ હજારો સમર્થકોને આકર્ષિત કર્યા. જો કે તેમણે ઔપચારિક રીતે ગાદી પાછી લેવાની કોશિશ કરી નથી. આમ છતાં તેમની હાજરી રાજભક્ત સમર્થકોને ભેગા કરતી રહી છે. રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (આરપીપી) રાજતંત્રનું સમર્થન એક શાસક તરીકે નહીં, પરંતુ રાષ્ટ્રીય હિતોના સંરક્ષક તરીકે કરે છે.
પૂર્વ રાજકુમાર અને રાજકુમારીઓ
શાહી પરિવારના રાજકુમાર અને રાજકુમારી વિદેશમાં રહે છે. પૂર્વ યુવરાજ પારસ અને રાજકુમારી હિમાનીની પુત્રી રાજકુમારી કૃતિકા શાહ જુલાઈ 2008માં પોતાના પરિવાર સાથે નેપાળ છોડીને સિંગાપુર જતા રહ્યા. જ્યાં તેઓ અભ્યાસ કરે છે. મોટી બહેન રાજકુમારી પૂર્ણિક શાહ પણ 2008માં નેપાળ છોડીને સિંગાપુરમાં છે. માર્ચમાં જ્યારે જ્ઞાનેન્દ્ર શાહ પોખરાથી કાઠમંડુ પાછા ફર્યા અને હજારો રાજાશાહી સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું. તેમને અને તેમના પરિવારને નિર્મલ નિવાસ લઈ જવામાં આવ્યા. મેમાં તેમણે પોતાના પરિવારના સભ્યો અને અમેરિકાથી પાછા ફરેલા પૌત્ર હ્રદયેન્દ્ર સાથે નારાયણહિતી શાહી મહેલની મુલાકાત લીધી. આ દરમિયાન પરિવારે મહેલ પરિસરમાં પૂજા અર્ચના કરી.