ટેરિફ તણાવ વચ્ચે આવતા મહિને ભારત આવશે અમેરિકી ઉપપ્રમુખ
શપથ લીધા પછી જેડી વેન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે
અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ જેડી વેન્સ આવતા મહિને તેમની ભારતીય મૂળની પત્ની ઉષા વાન્સ સાથે ભારતની મુલાકાત લેશે. રિપોર્ટ અનુસાર તેમની મુલાકાત એપ્રિલના પહેલા સપ્તાહમાં થઈ શકે છે. જેડી વાન્સનો આ બીજો વિદેશ પ્રવાસ હશે. અગાઉ તેઓ જર્મની અને ફ્રાન્સની મુલાકાતે ગયા હતા. વાન્સ વાઈસ પ્રેસિડેન્ટ બન્યા પછી પહેલીવાર ગયા મહિને મ્યુનિક સિક્યુરિટી કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે યુરોપિયન સરકારો પર ગેરકાયદેસર ઇમિગ્રેશન પ્રત્યેના તેમના અભિગમ, ધાર્મિક સ્વતંત્રતાઓ પ્રત્યેની તેમની અવગણના અને ચૂંટણીને ઉથલાવી દેવાના કિસ્સાઓ પર આકરા પ્રહારો કર્યા.
વેન્સની ભારત મુલાકાત ભારત અને યુએસ વચ્ચે ટેરિફ કાપને લઈને વધી રહેલા તણાવ વચ્ચે આવશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ભારત આખરે યુએસ આયાત પર ટેરિફ દૂર કરવા માટે સંમત થયું છે.
બીજી તરફ ભારતે ભારપૂર્વક કહ્યું છે કે યુએસ સાથેના વેપાર ટેરિફમાં ઘટાડો કરવા પર આવી કોઈ પ્રતિબદ્ધતા કરવામાં આવી નથી.
ત્યારબાદ, મંગળવારે, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય પ્રધાન જિતિન પ્રસાદે જણાવ્યું હતું કે ભારત અને યુએસ એક વેપાર સોદા પર વાટાઘાટ કરવાની યોજના બનાવી રહ્યા છે જેમાં બંને દેશો સપ્લાય ચેઇન એકીકરણને વધારવાના ઉદ્દેશ્ય સાથે બજારની પહોંચ વધારવા, આયાત જકાત ઘટાડવા અને બિન-ટેરિફ અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરશે.