અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કાલથી ભારત-ઇટાલીની મુલાકાતે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જાહેરાત વચ્ચે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ 18 થી 24 એપ્રિલ સુધી તેમના પરિવાર સાથે ઇટાલી અને ભારતની મુલાકાતે રહેશે. આ દરમિયાન યુએસ ઉપરાષ્ટ્રપતિ ભારત અને ઇટલી બંનેના નેતાઓ સાથે સામાન્ય આર્થિક અને ભૂ-રાજકીય પ્રાથમિકતાઓ પર ચર્ચા કરશે. આવામાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જેડી વાન્સના ટેરિફ અંગે દિલ્હીની સાથે વાતચીત થઈ શકે છે.
યુએસ ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હી, જયપુર અને આગ્રાની મુલાકાત લેશે. આ દરમિયાન ઉપપ્રમુખ જેડી વાન્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ઉપરાષ્ટ્રપતિ તેમના પારિવારિક સાંસ્કૃતિક સ્થળોએ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના કાર્યાલયે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે.
જેડી વાન્સની મુલાકાતને લઈને સુરક્ષા એજન્સીઓ અને વહીવટીતંત્રમાં ઘણી ગતિવિધિઓ ચાલી રહી છે. મુલાકાત પહેલા યુએસ દૂતાવાસના અધિકારીઓ આમેર કિલ્લાનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઉપરાંત આમેર પેલેસ મેનેજમેન્ટ દ્વારા પણ તકેદારી વધારી દેવામાં આવી છે.
મહેલ પરિસરમાં સ્વચ્છતા, સુરક્ષા વ્યવસ્થા અને મુલાકાતીઓની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ પણ તમામ પાસાઓ પર ચાંપતી નજર રાખી રહી છે.