અમેરિકા ભારત પર દબાણ બંધ કરે, મોદી અપમાન સહન નહીં કરે: પુતિન
ભારત સાથે ચીનને પણ સ્વમાની દેશ ગણાવી રશિયન પ્રમુખે કહ્યું, અમારી પાસેથી ઓઇલ ખરીદવાનું ભારત બંધ કરશે તો તેને જ નુકસાન; રશિયાને કાગનો વાઘ કહેવા બદલ ટ્રમ્પનો ઉધડો લઇ પ્રહાર: યુરોપ યુધ્ધનો ઉન્માદ ફેલાવતું હોવાનો આરોપ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઇકાલે અમેરિકાને ચેતવણી આપી હતી કે તે ભારત પર રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા માટે દબાણ ન કરે, કારણ કે ભારત ક્યારેય અપમાન સ્વીકારશે નહીં. કાળા સમુદ્રના રિસોર્ટ શહેર સોચીમાં વાલ્ડાઈ ચર્ચા જૂથમાં બોલતા, પુતિને કહ્યું, ભારત જેવો દેશ તેના નેતૃત્વના નિર્ણયો પર નજીકથી નજર રાખે છે અને ક્યારેય અપમાન સ્વીકારશે નહીં. હું વડા પ્રધાન મોદીને જાણું છું. તેઓ પોતે આવું પગલું નહીં ભરે. તેમણે ભારત સાથે ચીનને પણ સ્વાભિમાની દેશ ગણાવ્યો હતો.
પુતિને સ્પષ્ટપણે કહ્યું કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે, તો તેને મોટું નુકસાન થશે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપ, ભારત અને ચીનને યુક્રેન યુદ્ધને નબળું પાડવા માટે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અપીલ કરી હતી.
રશિયન રાષ્ટ્રપતિએ ચેતવણી આપી હતી કે જો રશિયાનો ઉર્જા પુરવઠો કાપવામાં આવશે, તો વૈશ્વિક અર્થતંત્ર ઊંડા સંકટમાં ધકેલાઈ જશે અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 થી ઉપર પહોંચી જશે.તેમણે એમ પણ કહ્યું કે ભારત સાથે વેપાર અને ચુકવણીની સમસ્યાઓ BRICS પ્લેટફોર્મ અથવા અન્ય માધ્યમો દ્વારા ઉકેલી શકાય છે.
પુતિને યુક્રેન સંઘર્ષ પર પણ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, બધા નાટો દેશો આપણી સામે લડી રહ્યા છે અને હવે તેને છુપાવી રહ્યા નથી. યુરોપમાં એક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે જે યુક્રેનિયન સેનાની દરેક પ્રવૃત્તિને સમર્થન આપે છે, તેમને ગુપ્ત માહિતી, શસ્ત્રો અને તાલીમ પૂરી પાડે છે.
રશિયન રાષ્ટ્રપતિએ સતત યુદ્ધ માટે યુરોપને દોષી ઠેરવ્યું અને બ્રિક્સ અને આરબ દેશો તેમજ ઉત્તર કોરિયા અને બેલારુસનો તેમના શાંતિ પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો. પુતિને રશિયાને કાગનો વાઘ કહેવા બદલ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું જો અમે કાગળનો વાઘ હોવા છતાં નાટો સામે લડી રહ્યા છીએ અને આત્મવિશ્ર્વાસ અનુભવી રહ્યા છીએ તો નાટો શું છે?
ભારત સાથેનું વેપાર અસંતોલન હળવું કરવા આદેશ આપતા રશિયન પ્રમુખ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ડિસેમ્બરની શરૂૂઆતમાં ભારતની તેમની આગામી મુલાકાત માટે પોતાની અપેક્ષા વ્યક્ત કરી છે અને નવી દિલ્હી દ્વારા ક્રૂડ તેલની ભારે આયાતને કારણે ભારત સાથે વેપાર અસંતુલનને હળવો કરવા માટે સરકારને પગલાં લેવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વેપાર અસંતુલન દુર કરવા ભારત પાસેથી કૃષિ ઉત્પાદનો, ઔષધીઓ- ફાર્માસ્યુટિકલ ખરીદ કરી શકાય છે. દક્ષિણ રશિયાના સોચીના બ્લેક સી રિસોર્ટમાં ભારત સહિત 140 દેશોના સુરક્ષા અને ભૂ-રાજકીય નિષ્ણાતોના આંતરરાષ્ટ્રીય વાલ્ડાઈ ચર્ચા મંચમાં બોલતા, પુતિને ભાર મૂક્યો કે રશિયા અને ભારત વચ્ચે ક્યારેય કોઈ સમસ્યા કે તણાવ રહ્યો નથી અને હંમેશા તેમની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પગલાં લીધા છે.