યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર 0.25 ટકા ઘટાડતા સોના-ચાંદીમાં ઘટાડાને બ્રેક
યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર સતત બીજી વખત ઘટાડ્યા છે. તાજેતરમાં 28 29 ઓક્ટોબરે યોજાયેલી યુએસ ફેડ રિઝર્વની પોલિસી મિટિંગમાં વ્યાજદર 0.25 ટકા ઘટવાની ઘોષણ કરવામાં આવી છે. આ સાથે જ ડિસેમ્બરની મોનેટરી પોલિસી અંગે પણ સંકેત આપ્યા છે. યુએસ ફેડ રિઝર્વે વ્યાજદર ઘટાડ્યા બેંકો માટે ધિરાણ મેળવવું વધુ સસ્તું થશે. આ સાથે જ સોના ચાંદીમાં ઘટાડાને બ્રેક લાગી છે.
અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડ રિઝર્વ ઓક્ટોબરની મોનિટરી પોલિસીમાં 0.25 ટકા વ્યાજદર ઘટાડ્યા છે. આ સાથે જ હવે અમેરિકા નીતિગત વ્યાજદર 4 ટકાથી ઘટીને 3.75 ટકા થયા છે. આ અગાઉ સપ્ટેમ્બર 2025માં પણ ફેડ રિઝર્વ 0.25 ટકા વ્યાજદર ઘટાડ્યા હતા. પોલિસી મિટિંગમાં લેવાયેલા નિર્ણયોની ઘોષણા કરતા યુએસ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ કહ્યું કે, તે 1 ડિસેમ્બરથી પોતાની એસેટ પર્ચેઝ રિડક્શન પ્રોગ્રામ બંધ કરશે. એટલે કે બજારમાં પહેલા કરતા વધારે લિક્વિડિટી રહેશે.
ફેડરલ ઓપન માર્કેટ કમિટિએ કહ્યું કે, હાલની સ્થિતિમાં વ્યાજદર ઘટાડવા જરૂૂરી હતા જેથી અર્થવ્યવસ્થાને ટેકો મળી શકે. યુએસ ઇકોનોમી હાલ ધીમી ગતિથી આગળ વધી રહી છે. નોકરીની નવી તકો ઘટી છે અને બેરોજગારી વધી છે, તો મોંઘવારી પહેલા કરતા ઉંચા સ્તરે છે. સરકારી શટડાઉનના કારણે અમેરિકામાં રોજગાર અને ફુગાવાના નવા આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, જેનાથી ફેડ અધિકારીઓ માટે નીતિગત નિર્ણય લેવા મુશ્કેલ બન્યા છે.
યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવાની અસર સમગ્ર દુનિયાભરના બજારો પર થશે. એક્સપર્ટ્સના મતે, રોકાણકારો યુએસ બોન્ડના બદલે ઇમર્જિંગ માર્કેટ જેવા કે ભારતમાં રોકાણ વધારી શકે છે. તેનાથી આઈટી, ફાર્મા અને એક્સપર્ટ્સ સાથે જોડાયેલી કંપનીઓને પણ ફાયદો થઇ શકે છે.અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદર વધારતા સોના ચાંદીમાં ઘટાડાને બ્રેક લાગી છે.
ધિરાણ સસ્તું થતા સોના ચાંદીની માંગ વધી શકે છે. યુએસ ફેડ રિઝર્વના વ્યાજદર ઘટાડા બાદ અમેરિકામાં હાજ સોનાનો ભાવ 0.3 ટકા વધીને 3964 ડોલર બોલાતો હતો. તો ડિસેમ્બર ડિલિવરી યુએસ ગોલ્ડ ફ્યૂચર 0.4 ટકા વધીને 4000 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પર ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદી 1.7 ટકા વધીને 47.82 ડોલર પ્રતિ ટ્રોય ઐંસ, પ્લેટિનમ 0.6 ટકા વધી 1595 ડોલર અને પેલેડિયમ 1.9 ટકા વધીને 1420 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ પર પહોંચ્યા હતા.