નેપાળમાં સોશિયલ મીડિયા બૅનથી હિંસા ફાટી નીકળી, 8નાં મોત: સંસદને આગચંપી
હજારો જનરેશન ઝેડ યુવાનોએ સંસદમાં ઘુસી જઇ કરેલી આગચંપી, પોલીસ ગોળીબારમાં 80ને ઇજા: સેના તહેનાત, તોફાનીઓને દેખો ત્યાં ઠાર મારવા આદેશ
નેપાળ સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધ સામે હજારો જનરલ ઝેડ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો દેશની સંસદમાં ઘૂસી ગયા હતા અને એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રદર્શનકારીઓએ સંસદના ગેટ નંબર 2 પર પણ આગ લગાવી દીધી છે. આ ઉપરાંત, ફાયરિંગને કારણે આઠ વ્યક્તિના જીવ ગયા હોવાના અહેવાલ પણ છે. સિવિલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, 80 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. અહેવાલો મુજબ પોલીસે નવા બાણેશ્વરમાં દેખાવકારોને વિખેરવા ટીયરગેસ તથા રબ્બરની ગોળીઓ તથા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. સરકારે સ્થિતિ કાબુમાં લેવા સેના તહેનાત કરી છે.
https://x.com/RBKHADKAKTM/status/1964941096066199695
એટલું જ નહીં તોફાનીઓને દેખો ત્યાં ઠારનો આદેશ આપવામાં આવ્યો છે.કાઠમંડુ ઉપરાંત, બિરાટનગર, બુટવાલ, ચિતવન અને પોખરા સહિત ઘણા શહેરોમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે યુવાનો દ્વારા જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ વધુ વણસી ત્યારે જિલ્લા વહીવટીતંત્રે બપોરે 12:30 થી રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુનો આદેશ આપ્યો. આ પછી, પરિસ્થિતિને કાબુમાં લેવા માટે બાણેશ્વર વિસ્તારમાં નેપાળી સેનાને પણ તૈનાત કરવામાં આવી હતી. આ બધા યુવાનો સરકાર પાસે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી રહ્યા છે.
નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ સહિત 26 મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનો આરોપ છે કે આ કંપનીઓ નવા નિયમોનું પાલન કરી રહી નથી. આ પ્રતિબંધ ગુરુવારની મધ્યરાત્રિથી અમલમાં આવ્યો. જોકે સરકારે લીધેલા નિર્ણયથી તેનો વિરોધ થઈ રહ્યો છે, પરંતુ હવે જનતા રસ્તા પર ઉતરી આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નોંધણી વગરના તમામ પ્લેટફોર્મ પર આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સરકારે આ કંપનીઓને નોંધણી કરાવવા માટે સાત દિવસનો સમય આપ્યો હતો, જે બુધવારે મધ્યરાત્રિએ સમાપ્ત થયો.
https://x.com/RBKHADKAKTM/status/1964950127225028961
ઉલ્લેખનીય છે કે Gen-Z એ એવા યુવાનો છે જેમનો જન્મ 1997 થી 2012 ની વચ્ચે થયો છે. આ પેઢી સંપૂર્ણપણે ડિજિટલ યુગમાં ઉછરી છે અને સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા તેમના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. Gen-Z ઝડપથી બદલાતી ટેકનોલોજી, વલણો અને વૈશ્વિક સંસ્કૃતિ સાથે ઊંડે સુધી જોડાયેલું છે. આ જ કારણ છે કે નેપાળમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો GenZને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.
વાણીસ્વાતંત્ર્ય છીનવી લેવાનો આરોપ
માનવ અધિકાર અને પ્રેસ સંગઠનોએ પણ નેપાળ સરકારના આ નિર્ણયની ટીકા કરી હતી. તેમનું કહેવું છે કે વડા પ્રધાન કેપી શર્મા ઓલીની સરકાર લોકોની વાણી સ્વતંત્રતા છીનવી રહી છે અને વ્યવસાયને પણ નુકસાન પહોંચાડી રહી છે. જો કે, તે સમયે, કોઈને ખ્યાલ નહોતો કે આ વિરોધ સંસદ સુધી પહોંચશે.