રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના હેલીકોપ્ટર પર યુક્રેનનો ડ્રોન હુમલો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ બંધ કરવા અંગે ઘણી વાતો અને નિવેદનો ચાલી રહ્યા છે. પરંતુ હજુ સુધી કંઈ નક્કર દેખાતું નથી. પરંતુ આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના પ્રકાશમાં આવી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું હેલિકોપ્ટર આ અઠવાડિયાની શરૂૂઆતમાં નવા જાહેર કરાયેલા સ્વતંત્ર કુર્સ્ક પ્રદેશની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન એક મોટા યુક્રેનિયન ડ્રોન હુમલાનો ભોગ બન્યું હતું, આ ખુલાસો એક રશિયન લશ્કરી કમાન્ડરે કર્યો છે.
જો કે, આ વિસ્તારમાં એર ડિફેન્સ યુનિટ્સે હુમલાને નિષ્ફળ બનાવવામાં સફળતા મેળવી અને રાષ્ટ્રપતિ કંઈ પણ ન થવા દીધું. એર ડિફેન્સ ડિવીઝનના કમાન્ડર યૂરી ડેશકિને રવિવારે ઓન એર એક ઇન્ટરવ્યુમાં ચેનલ રશિયા 1 ને જણાવ્યું હતું.
ડેશકિને કહ્યું કે, પુતિનનું હેલિકોપ્ટર કુર્સ્ક ક્ષેત્રમાં દુશ્મનના મોટા ડ્રોન હુમલાને રોકવા માટે એક ઓપરેશનના કેન્દ્રમાં હતું. ક્રેમલિનના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં યુક્રેનિયન સૈન્યથી સંપૂર્ણપણે મુક્ત થયા પછી મંગળવારે કુર્સ્ક પ્રદેશની તેમની પ્રથમ મુલાકાતમાં પુતિને ગવર્નર એલેક્ઝન્ડર ખિનશટેન તેમજ સ્થાનિક નગરપાલિકાઓના પ્રમુખો અને સ્વયંસેવકો સાથે મુલાકાત કરી. તેઓ યુક્રેનિયન આક્રમણથી પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યા છે.