બાવીસ ગ્રેન્ડ સ્લેમ વિજેતા રાફેલ નડાલ કતાર ઓપનમાંથી બહાર
37 વર્ષના દિગ્ગજ સ્પેનિશ ટેનિસ ખેલાડી રાફેલ નડાલ કતાર ઓપનમાંથી બહાર થઈ ગયો છે. તેણે સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે દોહામાં અયોજકો અને દર્શકોના ભરપૂર સમર્થન વચ્ચે મને રમવાની ઇચ્છા હતી, પણ કમનસીબે હું ટુર્નામેન્ટ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી. હું 2014ની શાનદાર જીત બાદ ફરી દોહામાં રમવા માગતો હતો. હું લાસ વેગસમાંની ફ્રેન્ડલી મેચ અને ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં રમવા માટે મારી જાતને તૈયાર કરી રહ્યો છું.
ટેનિસ દિગ્ગજ રાફેલ નડાલ એક વર્ષ પછી જાન્યુઆરીમાં ટેનિસ કોર્ટમાં પાછો ફર્યો હતો. તે બ્રિસ્બેન ઇન્ટરનેશનલમાં 3 મેચ રમ્યો હતો, પરંતુ એ પછી તે ઑસ્ટ્રેલિયન ઓપનમાંથી ખસી ગયો હતો. એ પછી તે કોઈ મેચ રમી શક્યો નથી. 37 વર્ષનો સ્પેનિયાર્ડ 3 માર્ચે કાર્લોસ અલ્કારાઝ સામે એક ફ્રેન્ડલી મેચ રમશે અને એ પછી તે કેલિફોર્નિયામાં ઇન્ડિયન વેલ્સ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. રાફેલ નડાલ તેની કરીઅરમાં બાવીસ ગ્રેન્ડ સ્લેમ મેન્સ સિંગલ ટાઇટલ જીત્યો છે અને તે ઇતિહાસનો બીજો સૌથી સફળ ખેલાડી છે.