ટ્રમ્પના ટાંટિયા ટૂંકા પડ્યા: ઈઝરાયલ-ગાઝા વચ્ચે ફરી ભડકો, 30નાં મોત
20 દિવસ પહેલાં જ ટ્રમ્પની હાજરીમાં થયો હતો યુધ્ધ વિરામનો કરાર: ઈઝરાયલે ગાઝા પર હુમલો કયો અને અમેરિકાને જાણ કરી
હમાસ વારંવાર કરારનું ઉલ્લંઘન કરે છે, ઈઝરાયલી સૈનિકો પર હુમલો કરાયાનો ઈઝરાયલના વડાપ્રધાનનો આક્ષેપ
ઈઝરાયલે ગાઝા સિટી, ખાન યુનિસ, બેત લાહિયા જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા: મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ
ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધનો વિરામ આવ્યો હતો. પરંતુ ફરી ટ્રમ્પના ટાંટીયા ટૂકા પડયા હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધ વિરામ કરાર તૂટી ગયો હતો અને ઈઝરાયલે ફરી એકવાર ગાઝામાં હવાઈ હુમલો કરી તબાહી મચાવી છે. આ હુમલામાં 30 થી વધુ લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે.
જ્યારથી ટ્રમ્પે હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધ વિરામનો કરાર કરાવ્યો છે ત્યારથી બન્ને દેશ વચ્ચે કરારને લઈને ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું આક્ષેપો થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે ઈઝરાયલ વડાપ્રધાને નેતન્યાહુએ ગાઝા પર પુરી તાકાતથી હુમલો કરવાનો આદેશ આપતા હવાઈ લશ્કરોએ ગાઝા સિટી સહિતના ગીચ વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતાં. જેમાં 30 વધુ નાગરિકોના મોત થયા છે. ગાઝા સિવીલ ડીફેન્શન એજન્સીનાં જણાવ્યા મુજબ ઈઝરાયલે ત્રણ વધુ જગ્યાએ હુમલો કર્યો હતો. જેમાં એજન્સીના વાહનો પર મિસાઈલ ફોડી હતી. તેમજ ગાઝાની અલસીફા હોસ્પિટલના પરીસરમાં પણ હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર આ હુમલામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.
ઈઝરાયલ અને હમાસ વચ્ચે 20 દિવસ પહેલા જ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી યુધ્ધ વિરામ કરાર થયો હતો. જેમાં 20 મુદ્દાની શાંતિ યોજના રજૂ કરવામાં આવી હતી અને બન્ને દેશોએ આ યુધ્ધ વિરામ કરાર સો સહમત થયા હતાં. પરંતુ ટ્રમ્પના આ સમાધાનનો ફરી ઉલાળ્યો થયો છે અને ફરી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુધ્ધના મંડાણ થયા છે.
મીડિયા અહેવાલો અનુસાર, ઇઝરાયલે ગાઝા પર હુમલો કરવાના તેના નિર્ણયની અમેરિકાને જાણ કરી હતી. એક લશ્કરી અધિકારીએ જણાવ્યું હતું કે હમાસના આતંકવાદીઓએ અગાઉ ઇઝરાયલી દળો પર હુમલો કર્યો હતો. રફાહ વિસ્તારમાં તૈનાત ઇઝરાયલી સૈનિકો પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) થી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ, ઇઝરાયલી સંરક્ષણ પ્રધાન કાત્ઝે જણાવ્યું હતું કે હમાસને ભારે કિંમત ચૂકવવી પડશે.
હમાસ પર ખોટા મૃતદેહ પરત કરવાનો પણ આરોપ
યુધ્ધ વિરામના કરાર બાદ વારંવાર ગાઝા તરફથી હુમલો થતો હોવાનો ઈઝરાયલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ યુધ્ધ વિરામ કરાર હેઠળ મૃતદેહેને અયોગ્ય રીતે પરત કરવાનો આરોપ હમાસ પર લગાવ્યો છે અને તે કરારનું સ્પષ્ટ ઉલંંઘન ગણાવ્યું છે. ઈઝરાયેલી સંરક્ષણ પ્રધાને ગત રોજ કહ્યું હતું કે હમાસે ગાઝામાં ઈઝરાયેલી સૈનિકો પર હુમલો કર્યો હતો. જો કે આ હુમલો કયાં અને કયારે થયો ? તે અંગે કોઈ જાણકારી આપી ન હતી. સામે હમાસે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કોઈ હુમલો કર્યો નથી. આમ છતાં વડાપ્રધાન નેતન્યાહુએ ગાઝા પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.
વડાપ્રધાન નેતન્યાહુએ હુમલાનો આદેશ આપ્યો
ગાઝા પર હુમલો કરતા પહેલા, ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર એક પોસ્ટ કરવામાં આવી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે, વ્યાપક સુરક્ષા પરામર્શ પછી, વડા પ્રધાન નેતન્યાહૂએ સેનાને ગાઝા પટ્ટીમાં તાત્કાલિક, શક્તિશાળી હુમલો શરૂૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
