કેનેડાને અમેરિકામાં ભેળવવાની ટ્રમ્પની ધમકી પરિપકવ નેતાનું લક્ષણ નથી
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ એકદમ આક્રમક મૂડમાં છે અને 20 જાન્યુઆરીએ પ્રમુખપદના શપથ લેતાં જ ધડાધડી કરવાની તૈયારી કરીને બેઠા હોય એવું લાગે છે. ટ્રમ્પ અમેરિકામાં આવતા માલ સામાન પર લગાવાતા ટેરિફથી માંડીને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ સહિતના મુદ્દે સપાટો બોલાવવાના મૂડમાં છે પણ સૌથી વધારે ચર્ચા કેનેડા મુદ્દે ટ્રમ્પે લીધેલા વલણની છે.
ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાના સોગંદ ખાધા હોય એમ એક પછી એક નિવેદન ફટકાર્યા કરે છે ને તેના ભાગરૂૂપે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બે નકશા પોસ્ટ કર્યા છે. આ પૈકી એક નકશામાં ટ્રમ્પે કેનેડાને અમેરિકા તરીકે દર્શાવ્યું છે, જ્યારે બીજા નકશામાં તેમણે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય દર્શાવ્યું છે. તેના કારણે કેનેડાના નેતા પણ બગડ્યા છે અને ટ્રમ્પને બેફામ જવાબો આપીને ગાળાગાળી શરૂૂ કરી દીધી છે.
જસ્ટિન ટ્રુડો વડા પ્રધાન હતા ત્યારે કેનેડા વિશે સતત નિવેદનો આપી રહેલા ટ્રમ્પને સહન કર્યા કરતા હતા પણ રાજીનામા પછી તેમની પણ હિંમત ખૂલી ગઈ છે. ટ્રુડોએ કહ્યું છે કે ટ્રમ્પ ભલે ગમે તે સપનાં જોયા કરે પણ કેનેડા અમેરિકાનો હિસ્સો બને એવી કોઈ શક્યતા નથી.
કેનેડાના નેતાઓનો ગુસ્સો સમજી શકાય એવો છે કેમ કે ટ્રમ્પ સતત કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઓફર કર્યા કરે છે ને કોઈ પણ સાર્વભૌમત્વ ધરાવતો દેશ પોતાનું અસ્તિત્વ ખતમ કરીને કોઈ દેશનું સ્ટેટ બનવા તૈયાર ના થાય. ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા દેશના પ્રમુખ બનવા જઈ રહ્યા છે ત્યારે નમ્રતાથી વર્તવાના બદલે સાવ છકી ગયેલા નેતાની જેમ વર્તી રહ્યા છે.
ટ્રમ્પનો ઈરાદો શું છે ને કેનેડાને અમેરિકામાં ભેળવવામાં તેમને શા માટે રસ છે એ સેક્ધડરી મુદ્દો છે પણ મૂળ મુદ્દો તેમની માનસિકતાનો છે. અમેરિકાનો ઈતિહાસ બીજા દેશો પર કબજો કરીને સત્તા જમાવવાનો નથી પણ ટ્રમ્પ તેનાથી અલગ રીતે વર્તી રહ્યા છે. અમેરિકા પોતાને લોકશાહી દેશ ગણાવે છે પણ આ બધી વાતો લોકશાહીને અનુરૂૂપ નથી. ટ્રમ્પે પહેલાં પનામા કેનાલ અને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાત પણ કરી હતી. ટ્રમ્પની આ માનસિકતા ખતરનાક છે ને દુનિયાના બીજા દેશોએ પણ તેનાથી ચેતવાની જરૂૂર છે.