ટ્રમ્પના ટેરિફથી ક્રિપ્ટોમાં કડાકા, એક કલાકમાં 50 હજાર કરોડ તૂટયા
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર વધારાનો 100 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી ક્રિપ્ટો માર્કેટ કડડભૂસ થયું છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર શરુ થવાની ભીતિ સાથે ક્રિપ્ટો માર્કેટમાં રોકાણકારોએ એક કલાકમાં જ છ અબજ ડોલર (રૂૂ. 50 હજાર કરોડ) ગુમાવ્યા છે.
ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદ ટોચની ક્રિપ્ટો કરન્સી બિટકોઇન ગઈકાલે શુક્રવારે સાંજે 5.20 વાગ્યે 8.4 ટકા તૂટી 104782 ડોલર થયો હતો.જ્યારે ઈથેરિયમ 5.8 ટકા તૂટ્યો હતો. જાહેરાતના એક કલાકમાં જ રોકાણકારોને 6 અબજ ડોલરનું નુકસાન થયું હતું.ચીન દ્વારા દુર્લભ ખનિજોની નિકાસ મામલે અંકુશો લાદવાની જાહેરાત પર પ્રતિક્રિયા આપતાં ટ્રમ્પે ગઈકાલે ચીન પર 100 ટકા વધારાનો ટેરિફ લાદ્યો હતો. અમેરિકા ચીન પાસેથી 30 ટકા ટેરિફ તો વસૂલે જ છે, હવે આ નવા 1 નવેમ્બરથી લાગુ થતાં 100 ટેરિફ સાથે ચીન પર ટેરિફ બોજો કુલ 130 ટકા થશે. વધુમાં ક્રિટિકલ સોફ્ટવેરની નિકાસ પર પણ પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પની ટેરિફ પોસ્ટથી બિટકોઇન 12 ટકાથી વધુ તૂટ્યો હતો. સમાચાર લખાયા ત્યારે શનિવારે બપોરે 12.46 વાગ્યે પણ 8.14 ટકાના ઘટાડે 111404.99 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. સંસ્થાકીય રોકાણકારોએ ટ્રેડ વોરની ભીતિના પગલે ક્રિપ્ટો માર્કેટમાંથી મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે. રિટેલ રોકાણકારોને મોટું નુકસાન થયું છે.
ટોચની બીજી ક્રિપ્ટો કરન્સી ઈથેરિયમ 12.94 ટકા તૂટી છે. આ સિવાય અન્ય ક્રિપ્ટો કરન્સી સોલાના, ડોઝકોઇન, કાર્ડાનોમાં 16થી 25 ટકાનું ગાબડું નોંધાયું છે. ટ્રમ્પની જાહેરાતથી એક જ કલાકમાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાંથી 6 અબજ ડોલર (અર્થાત્ રૂૂ. 50 હજાર કરોડ) રોકાણ પાછું ખેંચાયુ હતું. છેલ્લા 24 કલાકમાં બિટકોઇનની કિંમત 17927.25 ડોલર ઘટી છે.