ટ્રમ્પની લિબરેશન ડે ટેરિફ યથાવત : ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના નિર્ણય સામે ફેડરલ અદાલતનો સ્ટે
અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ગુરૂૂવારે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને અસ્થાયી રૂૂપે પુન:સ્થાપિત કર્યો છે. એક દિવસ પહેલા જ યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટેરિફ પર રોક લગાવતા કહ્યું કે, પ્રમુખે પોતાની સત્તાધિકારથી ઉપરવટ જઈને આ નિર્ણયો લીધા છે. જોકે, બાદમાં ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં આવેલા ઈમરજન્સી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં તર્ક આપવામાં આવ્યો હતો કે, ટેરિફ હટાવવાથી દેશની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થશે.
ફેડરલ અપીલ કોર્ટે ટ્રેડ કોર્ટના નિર્ણયને અસ્થાયી રૂૂપે રોકવાની ટ્રમ્પ પ્રશાસનની વિનંતીને મંજૂરી આપતા એક સંક્ષિપ્ત આદેશ જારી કર્યો. જેમાં કહેવાયું કે, યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના અગાઉના નિર્ણયો અને આદેશો હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. અપીલ કોર્ટે તેના નિર્ણયની તરફેણમાં કોઈ અભિપ્રાય કે વિગતવાર તર્ક નથી આપ્યો, પરંતુ વાદીઓને 5 જૂન સુધી અને ટ્રમ્પ પ્રશાસનને 9 જૂન સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. અપીલ કોર્ટના આ નિર્ણયથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમરજન્સી પાવર લો હેઠળ લાદવામાં આવેલા ટેરિફને અસ્થાયી રૂૂપે પુન:સ્થાપિત કરવામાં આવ્યા છે. જો કે, આ મુદ્દા પર વધુ કાયદાકીય કાર્યવાહી હજુ પણ ફેડરલ અપીલ કોર્ટમાં પેન્ડિંગ છે.
આ પહેલાં, યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સત્તાથી ઉપર વટ જઈને ટેરિફ લાદ્યો છે. ટ્રેડ કોર્ટે લિબરેશન ડેના દિવસ જાહેર કરાયેલા ટેરિફ અને કેનેડા, મેક્સિકો અને ચીનથી આયાત પર લાદવામાં આવેલા ટેરિફ સહિત મોટાભાગના ટેરિફને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન, વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ ગુરૂૂવારે જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ પ્રશાસન પોતાની વેપાર નીતિ સંબંધિત આ કાનૂની લડાઈ હારી જાય છે, તો પણ તે ટેરિફ લાદવાના અન્ય રસ્તાઓ પર વિચાર કરશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા, નાવારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા મૂકવામાં આવેલા સ્ટેને કારણે યુએસ ટેરિફ હાલ અમલમાં છે અને ટ્રમ્પ પ્રશાસન વેપાર અને ટેરિફ અંગે અન્ય દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે.